તસ્કરોએ હવે માઝા મુકવાની શરુઆત કરી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં તસ્કરોએ હવે ધારાસભ્યના ઘરને નિશાને લીધુ છે. તસ્કરોએ રાત્રી દરમિયાન પૂર્વ IPS અધિકારી અને હાલમાં ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાના ઘરે લૂંટ આચરી હતી. ધારાસભ્યના પત્નિ ઘરે એકલા હતા અને તેમને ઘરમાં જ બંધક બનાવીને તસ્કરોએ લૂંટ આચરી હતી. ઘટનાને પગલે પોલીસનો કાફલો ધારાસભ્યના ઘરે પહોંચ્યો છે. એસપી શૈફાલી બરવાલે મીડિયાને બતાવ્યુ હતુ કે, બે શંકાસ્પદોને ઝડપીને તેમની પૂછપરછ હાથ ધરી છે. તેમજ મળેલી વિગતોને આધારે પોલીસની ટીમો પણ તપાસ માટે રવાના કરવામાં આવી છે.
સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા લૂંટ આચરનારા આરોપીઓને ઝડપી લેવા માટે થઈને અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી છે. બે શંકાસ્પદો પણ પોલીસે ઝડપી લીધા છે.
મીડિયાને ધારાસભ્યની પત્નિ ચંદ્રિકાબેન બરંડાએ જણાવ્યુ હતુ, કે તેઓ રાત્રી દરમિયાન હું સુતી હતી એ દરમિયાન અવાજ થતા જાગીને પડદો ખોલીને ઘરમાં જોયુ પણ કંઈ લાગ્યુ નહીં. આ ઘટના લગભગ પોણા ત્રણ વાગ્યાના આસપાસ બની હતી. તેઓને મોંઢામાં ડૂચો મારી દઈને હાથ અને પગ બાંધી દીધા હતા. આમ તેમને બાંધી દઈને લૂંટ આચરી હતી.
આગળ કહ્યુ હતુ કે, ઘરમાં રાખેલ જ્વેલરી, સોનાના સેટ, વિંટી અને રોકડ રકમની ચોરી બે શખ્શોએ કરી હતી. ઘટનાને પગલે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસ દ્વારા વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરુ કરવામાં આવી છે.
ઘટનામાં બંધક બનાવી દઈ લુંટ આચરી એ ધારાસભ્યના પત્નિ પૂર્વ અધિકારી છે. તેઓ જીએએસ અધિકારી રહી ચૂક્યા છે. નાયબ ક્લેકટર તરીકે તેઓ રાજ્યમાં ફરજ બજાવતા હતા અને હાલમાં નિવૃત જીવન ગુજારી રહ્યા છે. તેમના પતિ પીસી બરંડા પૂર્વ આઈપીએસ અધિકારી હતા અને તેઓએ રાજીનામુ મુકીને વર્ષ 2017માં ભિલોડાથી ચૂંટણી લડી હતી. ત્યારબાદ તેઓને ફરીથી ભાજપે 2022માં ટિકિટ આપી હતી. જેમાં તેઓ વિજયી થયા હતા. આમ પૂર્વ આઈપીએસ અધિકારી અને વર્તમાન ધારાસભ્યના ઘરે ચોરી થવાની ઘટનાએ સનસનાટી મચાવી છે.
Published On - 9:35 am, Fri, 15 September 23