ગઢડા શહેરમાં જીવદયા પ્રેમી યુવાનો કેટલાક સમયથી લોક ઉપયોગી પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે, રખડતા પશુઓ બિમાર પડેતો તેને તાત્કાલિક સારવાર કરે છે તેમજ પશુઓને નિરણની વ્યવસ્થા કરે છે, સાથે નાના પરીવારોને પણ ઉપયોગી થાય છે અને સતત લોકોને મદદરૂપ પ્રવૃત્તિઓ આ યુવાનો કરી રહ્યા છે, ત્યારે આ યુવાનોની એક સરાહનીય કામગીરી સામે આવી છે.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં જીવ દયા પ્રેમી યુવાનો દ્વારા રાત્રીના સમયે રસ્તાઓ પર રખડતા પશુઓને રેડિયમ બેલ્ટ લગાડવાની કામગીરી હાથ ધરી છે. આ યુવાનો દ્વારા છેલ્લા ચારેક દિવસથી તમામ યુવાનો રાત્રે રેડિયમ બેલ્ટ લઈને શહેરના રસ્તાઓ પર નીકળી જાય છે અને જ્યા પણ રખડતા પશુઓ નજરમાં આવે તેના ગળામાં રેડિયમ બેલ્ટ લગાડે છે.
ગઢડા તાલુકાના ઉગામેડી ગામ અને નિંગાળા ગામ વચ્ચે હમણા થોડા દિવસ પહેલાં માંડવધાર ગામનો એક નવયુવાન સાંજના સમયે સંતવાણીના કાર્યક્રમમાં પોતાનું બાઈક લઈને જતો હતો તે સમયે એક આખલો ઓચિંતા વચ્ચે આવતા અકસ્માત સર્જાયો હતો અને આ યુવાનનું મૃત્યુ થયું હતું.
આ ઘટનાની જીવદયા પ્રેમી યુવાનોને ધ્યાન પર આવતા યુવાનોને વિચાર આવ્યો કે જે રસ્તાઓ પર જેટલા રખડતા પશુઓ હોય તેને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધીએ જેથી રાત્રી દરમ્યાન આવતા વાહન ચાલકોને લાઈટના પ્રકાશમાં ખ્યાલ આવે.
પશુઓથી થતા અકસ્માતો ટળે એવા ઉમદા વિચારો દ્વારા અન્યના જીવ બચાવવા આ યુવાનોએ પોતાના જીવના જોખમે કમર કસીને શહેરનાં સામાકાંઠે ચોકડી, બોટાદ રોડ, ઉગામેડી રોડ, બસ સ્ટેન્ડ પાસે, જુના મંદિર મેઈન બજાર, ગોપીનાથ સોસાયટી, અવઘ સોસાયટી, વ્રજ વિહાર સોસાયટી સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર રહેલા રખડતા પશુઓના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી શરૂ કરી છે.
ત્યારે ખરેખર સરકારને કરવાની કામગીરી આ ગઢડાના યુવાનોએ શરૂ કરી આ યુવાનોએ માનવ સેવાની ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, ત્યારે શહેરીજનો પણ આ જીવદયા પ્રેમી યુવાનોની કામગીરીને બિરદાવી રહ્યા છે.
આ પણ વાંચો: વીડિયો: બોટાદ આરટીઓ દ્વારા વાહન ચાલકોને નોટીસ, 1 કરોડથી વધારેની ટેક્સની રકમ બાકી
(Input Credit: Brijesh Sakariya)
Published On - 12:31 pm, Fri, 3 November 23