
ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજ્યના નદી-નાળા સુક્કા ભઠ્ઠ બની રહ્યા છે. ચારે- બાજુ પાણીની તંગી વર્તાઈ રહી છે. ત્યારે જળાશયોમાં રહેલા અબોલ જીવો મરી રહ્યા છે. ત્યારે જીવદયા પ્રેમીઓમાં રોષ ઉઠી રહ્યો છે. તંત્રને અનેકવાર રજુઆત છતા કોઈ પગલા લેવામાં આવતા નથી. ત્યારે બોટાદ (Botad News) ના એક તળાવમાં પાણીના અભાવમાં માછલાં મોતને ભેટ્યા છે.
બોટાદના કૃષ્ણસાગર તળાવમાં પાણી ના અભાવના કારણે માછલાંના મોત થયા છે. આશરે 25 જેટલા માછલાંના મોત થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તળાવનું પાણી સુકાઈ રહ્યું હતું અને જીવદયા પ્રેમીઓ દ્વારા તંત્રને અનેકવાર રજુઆત છતા કોઈ પગલા લેવાયા ન હતા. લગભગ 15 દિવસથી સ્થાનિક જીવદયા પ્રેમીઓ દ્વારા ટેન્કર દ્વારા પાણી ઠાલવીને આ અબોલ જીવોને બચાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.
બોટાદ શહેરનું આ કૃષ્ણ સાગર તળાવ શહેરન હાર્દસમું એકમાત્ર તળાવ છે. તળાવમાં થોડા સમય પહેલા તળાવમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવ્યું હતું અને તળાવ ભરી દેવાયું. જેને લઈ અનેક જળચર જીવો આ તળાવમાં વસતા થયા હતા. પરંતુ સમય જતાં તળાવ ધીમે ધીમે ખાલી થવા લાગ્યું હતું, જેને લઈને અગાઉ પણ અનેક માછલાં અને કાચબાના મોતના સમાચાર સામે આવ્યા હતા. હાલ પરિસ્થિતિ એવી છે કે, તળાવમાં માત્ર પાણીના ખાબોચિયા ભરેલા છે. તેમાં બાકી રહેલા જીવો અને માછલાનો જીવ બચાવવા જીવદયા પ્રેમીઓ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે.
થોડા સમય પહેલા સુરત જીલ્લાના ઓલપાડ ગામ નજીક કિમ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા મોટી સંખ્યામાં માછલાઓના મોત થયા હતા. રાતના અંધારામાં કેમિકલ ઠાલવી દેવામાં આવતા નદીના કિનારે માછલાઓ તરફડી રહ્યા હતા અને મોતને ભેટ્યા હતા.
ત્રણ મહીના પહેલા અંકલેશ્વરના નવાગામ કરારવેલ ખાડીમાં પ્રદુષિત પાણીથી અનેક માછલીઓના મોત થયા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, આ પ્રદુષિત પાણી ઝગડીયા જીઆઈડીસીમાંથી આવ્યું છે. જીપીસીબીની ટીમે પણ પ્રદુષિત પાણીના સેમ્પલ લીધા હતા અને ગ્રામજનોના આક્ષેપ પર જીપીસીબી ઝગડીયા જીઆઇડીસીમાં પણ તપાસના પગલા લીધા હતા. ફિશરી વિભાગને પણ જાણ કરાઈ હતી. ઝઘડીયા જીઆઇડીસી દ્વારા પ્રદૂષિત પાણીનો નિકાલ ન થયો હોવાનું રજુઆત સામે આવી હતી.
આમ, ક્યારેક ગરમી તો ક્યારેક પ્રદુષણ અને માનવીની બેદરકારીના લીધે આ અબોલ જળચર જીવોના મોતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. તેથી આ ઘટનાઓને રોકવા માટે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓમાં માંગ ઉઠી રહી છે.