દક્ષિણ ગુજરાતમાં દારૂના વેપલા સામે પોલીસ(Gujarat Police) કડક હાથે કામ લેતા બુટલેગરોએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની સીમા ઉપર આવેલ પાનોલીને દારૂના કટિંગનું હબ બનાવી દીધું હોય તેમ તાજેતરના સામે આવેલા કિસ્સાના આધારે લાગી રહ્યું છે. બુટલેગરો દ્વારા દારૂના મોટા જથ્થાને પાનોલી નજીક ઠાલવી દક્ષિણ ગુજરાત તરફ સપ્લાય કરવાના નેટવર્કનો સુરત રૂરલ પોલીસ દ્વારા પર્દાફાશ કરાયો છે. આ બાબતે પાનોલી પોલીસ પણ પ્રશ્નોના ઘેરામાં આવી શકે છે. ગત 15 મે ના રોજ ઝડપાયેલા 25 લાખ રૂપિયા ઉપરાંતના દારૂના જથ્થામાં ટ્રકના ચાલકે ટૂંકા સમયગાળામાં હજારો બોટલમાં ભરેલા લાખો રૂપિયાના દારૂ સાથે તેણે પાનોલી નજીક આવેલ એક હોટલ સુધી ઘણી ખેપ મારી હોવાની કબૂલાત કરી છે.
સૂત્રો અનુસાર ઝડપાયેલા કેરિયરે જણાવ્યું હતું કે દારૂ રવાના કરનારે સૂચના આપી હતી કે પાનોલીની હોટલ લેન્ડરમાર્કમાં દારૂ ભરેલી ટ્રક પાર્ક કરી રીસીવરની રાહ જોવાની હોય છે. ટ્રક ચાલક પાસે આવી પાણીની બે બોટલ હાથમાં આપનાર વ્યક્તિ રીસીવર હોવાનો કોડવર્ડ અપાયો હતો. આ વ્યક્તિઓ પાણીની બોટલ હાથમાં આપે ત્યારે ટ્રક સોંપી ચાલક અને ક્લીનરે ખસી જવાનું હોય છે. અહીંથી બુટલેગરનો માણસ આગળની કામગીરી સાંભળી ખાલી ટ્રક અહીં પરત કરે છે અને ચાલક અને ક્લીનર ખાલી ટ્રક લઈ પરત રવાના થઈ જાય છે.
15 મેના રોજ કોસંબા પોલીસ દ્વારા ઝડપી પડાયેલ 25 લાખ 72 હજાર રૂપિયાની 15000 બોટલ વિદેશી દારૂ સાથે ટ્રક ચાલક હરદયાળસિંહ અને ક્લીનર કુશળસિંહે અંકલેશ્વરના બુટલેગર જીગો ઉર્ફે જીગ્નેશ કિરીટભાઈ પરીખ દ્વારા દારૂનો જથ્થો મંગાવાયો હોવાની પોલીસને માહિતી આપી હતી. ટેક્નિકલ તપાસ અને આરોપીઓની પૂછપરછ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું હતું કે ભરૂચ પાનોલી વિસ્તારમાં વર્ષ 2023 માં લાખો રૂપિયાની કિંમતની હજારો દારૂની બોટલની ઘણીવાર ખેપ મારવામાં આવી હતી. એવો અંદાજ છે કે પાનોલી નજીકના કોઈ શેડમાં આ જથ્થાને લઈ જઈ નાના વાહનોમાં દક્ષિણ ગુજરાત તરફ રવાના કરાતો હતો.
દક્ષિણ ગુજરાતમાં રેકેટ ચલાવવા ટ્રકમાં ભરી લાવી પાનોલી નજીક ઠલવાતા વિદેશી દારૂના જથ્થાના વેપલા બાબતે પાનોલી પોલીસ અજાણ હતી? આ પ્રશ્ન ઉઠી રહ્યો છે. પાનોલી મધ્ય ગુજરાતનું છેલ્લું પોલીસ સ્ટેશન માનવામાં આવે છે. અહીં બુટલેગરોને ક્યુ સુરક્ષિત વાતાવરણ મળ્યું કે દક્ષિણ ગુજરાતમાં દારૂનું રેકેટ ચલાવવા દારૂ ભરેલી ટ્રક પાનોલી નજીકની હોટલ ઉપર કેમ થોભાવાતી હતી? આ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
માર્ચ 2023માં સ્ટેટ મોનીટરીંગ સેલે અંકલેશ્વરમાં દારૂની ટ્રક સાથે ગોડાઉન ઝડપી પડ્યું હતું. વડી કચેરીની સ્કોડની કાર્યવાહીએ ભરૂચ પોલીસની સક્રિય અનેનિષ્ણાત ગણાતી ટીમોના નેટવર્ક અને સક્રિયતા ઉણી ઉતરી હોવાની લાગણી જન્માવી હતી. આ ઘટના બાદ સફાળી જાગેલી પોલીસે ગોડાઉન ધમરોળ્યા હતા.
એક સમયે ભરૂચ એસપી ડો. લીના પાટીલના ભયથી બુટલેગર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અથવા ભરૂચ જિલ્લા બહાર રવાના થઈ ગયા હતા. આ સામે તાજેતરમાં દારૂનું રેકેટ ઝડપાવાના કિસ્સામાં ભરૂચ બહાર દારૂનો વેપલો ચલાવવા ભરૂચમાં શરણ લેવાનો મામલો સામે આવતા આ મામલે સ્થાનિક પોલીસની કામગીરી ઢીલી પડી હોવાનો આક્ષેપ થઈ શકે છે.
સુરત જિલ્લા પોલીસની તપાસ દરમ્યાન સામે આવેલી માહિતીના આધારે આગામી દિવસોમાં ભરૂચ પોલીસ બુટલેગરો ઉપર તવાઈ બોલાવે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. જોકે આ મામલે હજુ સુધી ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી
Published On - 7:40 am, Thu, 18 May 23