ભાવનગરના પાલીતાણામાં સતુઆબાબા વિદ્યાસંકુલ ખાતે ખાતર ઉત્પાદક સંસ્થા ઇફકો દ્વારા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં સહકારી સંમેલન યોજાયુ હતુ. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત ખાખરીયા ગામને દત્તક લીધુ હતુ. મનસુખ માંડવિયાએ ખાખરીયા ગામને આદર્શ ગામ બનાવવાનો સંકલ્પ લીધો છે. સમગ્ર ગામની કાયાકલ્પ કરી તેને એક આદર્શ ગામ બનાવવાનો નિર્ધાર મનસુખ માંડવિયાએ કર્યો છે.
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ પાલીતાણાના ખાખરીયાને સાંસદ આદર્શ ગામ તરીકે દત્તક લીધુ છે. ખાતર ઉત્પાદક સંસ્થા ઇફકો દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં મનસુખ માંડવિયાએ ખાખરીયા ગામને આદર્શ ગામ બનાવવાનો સંકલ્પ લીધો છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ રૂ. 13.47 લાખના વિવિધ વિકાસના કામોના ખાત મુર્હૂત કર્યા હતા. સાથે જ રૂ. 14.77 લાખના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ ભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે ભૌતિક સુવિધાની સાથે ગામમાં નાગરિકોનો વ્યવહાર આદર્શ બને તે ગામ ખરા અર્થમાં આદર્શ ગામ બને છે. નીતિ, રીતે અને વ્યવહાર હજુ ગામડામાં રહેલા છે. આવનારો સમય ગામડાનો આવી રહ્યો છે. આદર્શ ગામની વ્યાખ્યામાં આદર્શ જીવન રહેલું છે. આ કાર્યક્રમમાં ભાજપ ના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના શરુ કરવામાં આવી હતી. ગામડાઓના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન મોદી દ્વારા આ યોજના શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત સાંસદો ઓછામાં ઓછા ત્રણ ગામને દત્તક લેવાના રહે છે. ત્યારબાદ આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણની સાથે સ્વચ્છતાની દિશામાં પણ ગામમાં સુધારા કરવાના રહે છે.
આદર્શ ગામમાં હોસ્પિટલ, શાળા, લાઈબ્રેરી, રમત-ગમતનું મેદાન, ઈ-સાક્ષરતા અને સાર્વજનિક શૌચાલયની સુવિધા ઊભી કરવાની રહે છે. આ ઉપરાંત આદર્શ ગામના દરેક ખેડૂતોને આરોગ્ય કાર્ડ અને આધાર કાર્ડની સાથે સોઈલ હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે. શાળાને સ્માર્ટ સ્કૂલ પણ બનાવી શકાશે. આદર્શ ગામ પોતાનો આર્થિક એજન્ડા પણ તૈયાર કરશે.