રાજાશાહી સમયની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, જ્યારે 15 વર્ષ પહેલા બનેલી સરકારી હોસ્પિટલ થઈ ખખડધજ- વીડિયો

રાજાશાહી સમયે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ બનાવેલી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા 15 વર્ષ પહેલા જે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ તે હોસ્પિટલ હાલ જર્જરીત બની છે. જેના કારણે તેને હાલ બંધ કરવામાં આવી છે.

| Edited By: | Updated on: Dec 01, 2023 | 10:31 PM

ભાવનગરની સરકારી હોસ્પિટલ 15 જ વર્ષમાં મરણ પથારીએ આવી ગઈ છે. જ્યારે રાજાશાહી સમયની સર ટી હોસ્પિટલ તેની એક સદી વટાવી ચુકી છે છતા અડીખમ છે. જે હોસ્પિટલનું રાજ્ય સરકાર દ્વારા 15 વર્ષ પહેલા જ નિર્માણ કરવામાં આવ્યુ હતુ તે હોસ્પિટલ હાલ જર્જરીત બની છે અને તેના અસ્તિત્વ માટે લડી રહી છે. જ્યારે અન્ય એક કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલ ઉપેક્ષાનો શિકાર બની છે.

100 વર્ષ બાદ પણ સર ટી હોસ્પિટલ દર્દીઓની સેવામાં અડીખમ

ભાવનગરમાં સરકારી હોસ્પિટલના બાંધકામ અને વહીવટને લઈને સવાલ ઉઠી રહ્યા છે. જેમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના સમયમાં બનેલી સરટી હોસ્પિટલ છેલ્લા 100 વર્ષથી અડીખમ છે. પ્રજાની સેવામાં છે. જ્યારે બીજી હોસ્પિટલનું નિર્માણ 15 વર્ષ પહેલા જ થયુ છે છતા તે આજે જર્જરીત અવસ્થામાં છે. આટલુ ઓછુ હોય તેમ 200 કરોડના ખર્ચે બનેલી ત્રીજી હોસ્પિટલ લોકાર્પણની રાહ જોઈ રહી છે. નેતાઓને ફુરસદ ન હોવાથી હોસ્પિટલ છેલ્લા 2 વર્ષથી ઉદ્દઘાટનના વાંકે ધૂળ ખાઈ રહી છે.

કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલ બની જર્જરીત

કમનસીબી ગણો કે દયનિય સ્થિતિ કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી હોસ્પિટલ આજે પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ક્યાંક જર્જરીત તો ક્યાંક જોખમી બાંધકામ હોવાથઈ હાલ હોસ્પિટલ સેવામાં નથી. બાંધકામ નબળુ હોવાથી હોસ્પિટલ જર્જરીત બને તે માનવામાં આવે પરંતુ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે જિલ્લામાંથી આવે છે તેમના જ શહેરની હોસ્પિટલ 2 વર્ષથી બનીને તૈયાર હોય છતા માત્ર ઉદ્દઘાટનના વાંકે ધૂળ ખાઈ રહી હોય ત્યારે સવાલ તો ઉઠવાના જ. 2 વર્ષથી 200 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલ હાલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની છે. હાલ સર ટી હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના દર્દીઓનો ધસારો વધી રહ્યો છે અને બબ્બે મહિને દર્દીઓના ઓપરેશનનો વાર આવતો હોવાથી દર્દીઓના સંબંધીઓ ફરિયાદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: જુનાગઢમાં આખલાનો આતંક યથાવત, ઝાંઝરડા ચોકડી પાસે બે આખલા બાખડતા સ્થાનિકો ભયભીત- વીડિયો

સરટી હોસ્પિટલ 100 વર્ષ બાદ પણ દર્દીઓના સેવામાં અડીખમ ઉભી છે જ્યારે અન્ય સરકારી હોસ્પિટલના પાયા માત્ર 15 વર્ષમાં જ હચમચી ગયા અને તેને જોખમી જાહેર કરાઈ છે. ત્યારે હોસ્પિટલના બાંધકામ સામે સવાલ તો ઉઠવાના જ છે. લોકોના જીવ બચાવતી હોસ્પિટલ કેમ માત્ર 15 વર્ષના ટૂંકાગાળામાં જોખમી બની ગઈ છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો