
ભાવનગરવાસીઓ (Bhavnagr)બે વર્ષના અંતરાલ બાદ ભગવાનની નગરચર્યાને (Rathyatra) વધાવવા આતુર થયા છે અને આ આનંદનો પડઘો શહેરવાસીઓમાં પડઘાતો હોય તેમ શહેરને પણ ભગવાનના આગમન નિમિત્તે વિવિધ રીતે શણગારવામાં આવ્યું હતુ. શહેરમાં આ વર્ષે પરંપરાગત રીતે 37મી રથયાત્રા નીકળશે. ત્યારે ભાવનગર મહાનગર પાલિકા તંત્ર તેમજ પોલીસ બેડા દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે 5000 કરતા વધુ પોલીસ જવાનો ખડે પગે રહેશે. દેશની ત્રીજા નંબરની અને રાજ્યની બીજી મોટી રથયાત્રા સમિતિના ચેરમેન હરુભાઈ ગોંડલીયાએ જણાવ્યા મુજબ રથયાત્રાની તૈયારીઓ માટે વિવિધ સમિતિને કામ સોંપવામાં આવ્યું છે જેની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે. ત્યારે જાણો અત્યાર સુધીની તમામ વિગતો.
રથયાત્રા પૂર્વે ભાવનગર પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયું છે. ભાવનગર એસ.પી. રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ જવાનો સજજ છે અને રથયાત્રા માટે ભાવનગર તથા અન્ય જિલ્લાની પોલીસ જેમાં 15 ડીવાયએસપી, 40 પીઆઈ, 150 પીએસઆઈ, 3૦૦૦ પોલીસ જવાનો અને 2000 હોમગાર્ડ જવાનો મળીને કુલ 5૦૦૦ કરતા વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્ત જાળવશે. સાથે જ લોકોને અફવાથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે.
ભાવનગરમાં જ્યારથી રથયાત્રાની શરૂઆત થઈ ત્યારથી ભાવિક ભક્ત હરજીવનભાઈ દાણીધારીયા નામના ભક્ત ભગવાન જગન્નાથના વાઘા રથયાત્રા માટે ખાસ તૈયાર કરે છે. તેઓ ખાસ સિલ્કના કાપડમાંથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રંગબેરંગી અને ચમકદમક વાળા ખાસ વાઘા તૈયાર કરે છે. રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથને આ વસ્ત્રો પહેરાવી શહેરના રાજમાર્ગો પર લોકોના દર્શન માટે રથયાત્રા પસાર કરાશે.
આ દિવસે ભગવાનના દર્શન અને ખાસ કરીને ભગવાનને વિશેષ શણગારમાં જોવા એ પણ લ્હાવો છે. કાળિયા બીડમાં રહેતા મહિલા ભક્ત પ્રફુલ્લાબેન રાઠોડ દ્વારા ભગવાનને પહેરાવવામાં આવતી પાઘ અને સાફા બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મોતી અને ઝરીની લેસ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશેષ વાઘાના શણગાર સાથે જ્યારે ભગવાન રથયાત્રાએ નીકળે છે ત્યારે શહેરના નાગરિકો આ નયનરમ્ય દર્શન કરીને ધન્યતા અનુભવે છે.