
સરકારી કામગીરી તેની ગોકળગાય ગતિએ થતી કામગીરી માટે પ્રખ્યાત છે અને આવું જ કંઈક ભાવનગર શહેરમાં જોવા મળ્યું છે, જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત નિર્માણાધીન મકાનોનો પ્રોજેક્ટ સાત વર્ષ પછી પણ અધૂરો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘોઘા રોડ ખાતેના આવાસ યોજનાના મકાનો માટે વર્ષ 2019માં કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરીને લાભાર્થીઓને આવાસ ફ્લેટની ફાળવણી કરવામાં આવી હતી.
આ ફાળવણી બાદ, મનપા તંત્રની સૂચના અને નિયત સમય પત્રક અનુસાર, લાભાર્થીઓએ પેટે પાટા બાંધીને, લોન લઈને કે વ્યાજે પૈસા લાવીને પણ આવાસ માટે ચૂકવવાના થતા રૂપિયા ૩ લાખની રકમ તેમજ અન્ય મેન્ટેનન્સ ડિપોઝીટ જમા કરાવી દીધેલ છે. તંત્ર દ્વારા નિયત સમયે નાણા ન ભરવા બદલ આવાસ ફાળવણી રદ કરવાની ધમકી આપવામાં આવી હોવાથી લાભાર્થીઓએ આ નાણાકીય રકમો ફરજિયાતપણે ભરપાઈ કરી દીધી હતી.
જોકે, આજની તારીખે આશરે સાત વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, આજદિન સુધી આ આવાસ યોજનાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. લાભાર્થીઓએ અનેક વખત મનપા કમિશ્નરને રજૂઆતો કરી છે, છતાં તેમને માત્ર આશ્વાસનો અને ટૂંકાગાળાની મુદ્દતો જ મળે છે. આ સ્થિતિમાં, 2020થી લાભાર્થીઓના મકાનના હપ્તા શરૂ થઈ ગયા હતા, જે 2021માં પૂરા પણ થઈ ગયા છે. આમ, પૂરેપૂરા પૈસા ચૂકવી દીધા હોવા છતાં, લાભાર્થીઓને પોતાના ઘરનો કબજો મળ્યો નથી. લાભાર્થીઓ દ્વારા અન્ય એક PMAY સાઈટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં 728 મકાનો બે વર્ષમાં પૂર્ણ કરીને સોંપી દેવામાં આવ્યા હતા, જે આ પ્રોજેક્ટના વિલંબને વધુ ધ્યાનપાત્ર બનાવે છે.
લાભાર્થીઓની મુખ્ય માંગણી એ છે કે તેમને વહેલી તકે મકાનોનો કબજો સોંપવામાં આવે. આ યોજનાના ફ્લેટ ફાળવાયેલા મોટાભાગના લોકો હાલ ભાડાના મકાનોમાં રહે છે. તેમને એક તરફ ભાડું અને બીજી તરફ પોતાની લોનના હપ્તા ભરવા પડી રહ્યા છે. આ ડબલ ભારણના કારણે તેમને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. લાભાર્થીઓ કોર્પોરેશન પાસે તેમના દ્વારા ચૂકવવામાં આવેલ ભાડાની ભરપાઈની પણ માંગ કરી રહ્યા છે, કારણ કે તંત્રના નબળા આયોજન અને વિલંબને કારણે તેમને આર્થિક હાલાકી ભોગવવી પડી છે.
આ વિલંબ અંગે તંત્ર દ્વારા કેટલાક કારણો રજૂ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રોજેક્ટના પ્લોટનો કબજો બે વર્ષ પછી મળ્યો હતો, કારણ કે ત્યાં સ્થળ પર કોઈનો કબજો હતો અને કબજો લેવા સમયે સ્ટાફ પર હુમલો થયો હતો, જેમાં છરી પણ મારવામાં આવી હતી, જેની એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, કોરોનાનો પ્રશ્ન, ક્વોરીની વારંવાર પડતી હડતાલો અને ગુજરાતભરમાં ભાવવધારા બાબતે થયેલી ઘણી સ્ટ્રાઈકોને પણ કામમાં મોડું થવાનું કારણભૂત ગણાવાયું છે. જોકે, અધિકારીઓ સ્વીકારે છે કે આ કામમાં વધારે મોડું થયું છે. હાલમાં 90% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને માત્ર લિફ્ટનું કામ તેમજ નાનું-મોટું ફિનિશિંગ વર્ક જ બાકી છે. અધિકારીઓ દ્વારા વહેલી તકે કામ પૂર્ણ થાય તેવા પ્રયત્નો ચાલુ હોવાનું જણાવાયું છે. તેમ છતાં, લાભાર્થીઓનો રોષ યથાવત છે અને તેઓ ઝડપી ન્યાય તથા પોતાના ઘરની આશા રાખી રહ્યા છે.
આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં હાઇ એલર્ટ જાહેર કર્યું