ભાવનગરની જનતા શહેરના પહેલા ઓવરબ્રિજના રાહમાં છે કે ક્યારે ઓવરબ્રિજ તૈયાર થાય અને ટ્રાફિકની સમસ્યાનો અંત આવે, પણ સ્થાનિક તંત્ર જે રીતે કામગીરી કરી રહ્યું છે તે જોતા નજીકના સમયમાં જનતાને આ લાભ મળે તેવા કોઈ એંધાણ નથી. વિપક્ષે તો આક્ષેપ લગાવ્યો છે કે છેલ્લા બે વર્ષમાં માત્ર 40 ટકા જ કામ પૂર્ણ થયુ છે. ફિકર એ વાતની છે જો એક કામ પૂર્ણ કરવા તંત્ર આટલો સમય લેશે તો બાકીના વિકાસકાર્યો ક્યારે થશે ? વિકાસના અધુરા કામોથી હવે જનતા પરેશાન થઇ ગઇ છે.
ભાવનગર એક એવુ શહેર છે જે પોતાના ઈતિહાસ અને રાજવીએ કરેલા જનકલ્યાણકારી કાર્યો માટે પ્રખ્યાત છે. ભાવનગર શહેરને વધુ સુંદર અને સુવિધાનજક બનાવવાની જવાબદારી સત્તા પર રહેલા તંત્રની છે. સમયાંતરે બદલાવ અને વિકાસકાર્યો થતા રહે તે ખુબ જરૂરી છે. પણ જો આ વિકાસકાર્યના કારણે લોકોને અગવડ અને મુશ્કેલી પડે તો તેને વિકાસ નહીં પણ સમસ્યા જ કહેવાય. આવી જ કઈંક સ્થિતિ છે ભાવનગરમાં. મહાનગરપાલિકામાં આમ તો શહેરને પ્રથમ ફ્લાયઓવર મળવાની વાત છે. પણ આ ફ્લાય ઓવર જનતા માટે ક્યારે બનીને તૈયાર થશે તેને લઈને ધાંધિયા છે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રથમ ઓવરબ્રિજનું 115 કરોડના ખર્ચે બે વર્ષ પહેલા કામ શરૂ કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમા રોડ પર બે વર્ષ પહેલા કામ શરૂ કરવામાં આવ્યું છે અને તેને પૂર્ણ કરવાની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગયુ છે. તેમ છતાં ઓવરબ્રિજનું કામ માંડ 40 ટકા જેટલુ જ પૂર્ણ થયુ હોવાનો વિપક્ષ કોંગ્રેસના નેતાઓ દાવો કરી રહ્યા છે. ગોકળગતિથી ચાલતી કામગીરીથી મુખ્ય રોડ પર સતત ટ્રાફિક જામ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાનો વિપક્ષનો આક્ષેપ છે.
તો આ તરફ મેયરે વિપક્ષના આક્ષેપ ફગાવતા જણાવ્યું કે કોરોનાના કારણે કામમાં રૂકાવટ આવી છે. ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ શહેરીજનોની સમસ્યાનું નિરાકરણ આવશે. આ સાથે તેમને બ્રિજની કામગીરી 24 કલાક ચાલતી હોવાનો પણ દાવો કર્યો છે.
આક્ષેપ-પ્રતિઆક્ષેપ કોઈ નવી વાત નથી. પણ મૂળ મુશ્કેલી ભાવનગરની જનતા વેઠી રહી છે. અહીંયા સ્થિતિ એ છે કે અધુરા કામ પર રાજનીતિ થઈ રહી છે અને પરેશાની જનતા ભોગવી રહી છે. છેલ્લા 2 વર્ષમાં જો હજુ એક ફ્લાય ઓવર ન બની શકતો હોય તો તે હવે જનતાએ વિચારવાનું છે કે બાકી વિકાસકાર્યો ક્યારે પૂર્ણ થશે.
(વિથ ઇનપુટ-અજીત ગઢવી, ભાવનગર)