ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની પૂરજોશમાં આવક થઇ રહી છે. માર્કેટ યાર્ડથી ડુંગળી ભરેલા વાહનોનો બે કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક ફટકો પડવાની શક્યતાઓ છે.એક તરફ ડુંગળીની આવક થતા વેપારીઓમાં ભારે રાહત જોવા મળી રહી છે. તો બીજી તરફ ડુંગળીની આવક વધતા ખેડૂતોને ભાવ નીચા જવાની ચિંતા છે. આ વર્ષે ભાવનગર જિલ્લામાં મબલખ ડુંગળીનું ઉત્પાદન થયુ છે. ત્યારે કેન્દ્ર સરકાર ડુંગળી એક્સપોર્ટ કરવાના નિયમો હળવા બનાવી તાત્કાલિક ધોરણે ખેડૂતો ડુંગળી નિકાસ કરે એવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું જે ઉત્પાદન થાય છે, તેના 67 ટકા કરતા વધુ ઉત્પાદન માત્ર ભાવનગર જિલ્લામાં થાય છે. ભાવનગર જિલ્લામાં પાકતી ડુંગળીની ગુણવત્તા અન્ય રાજ્ય જેવી કે મહારાષ્ટ્રના નાસિકની ડુંગળી છે તેવી જ હોય છે. આ વર્ષે ભાવનગર જિલ્લાના ખેડૂતોએ રોકડિયા પાક ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ છે. ખેડૂતોને ડુંગળીના વાવેતરથી લઇને તેને વેપારીઓ સુધી પહોંચાડવાના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં મોંઘવારી નડી છે. આ તમામ વસ્તુઓ માટે થયેલો ખર્ચ એટલો વધુ છે કે ડુંગળીના ભાવ નીચે જાય તો ખેડૂતોને પોષાય તેમ નથી. તેમ છતા ડુંગળીનો પાક તૈયાર થઇ જતા ખેડૂતો તેને વેચવા માર્કેટ યાર્ડ પહોંચી રહ્યા છે. માર્કેટ યાર્ડથી ડુંગળી ભરેલા વાહનોનો બે કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.
આ વર્ષની વાત કરવામાં આવે તો વરસાદ સારો વરસ્યો છે. તેમજ હવામાન પણ ડુંગળીના પાક માટે સારુ રહ્યુ છે. જેથી ભાવનગર જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ વાવેતર કર્યુ છે. જો કે ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક શરુ થઇ ગઇ છે. ડુંગળીની આવક વધતા ખેડૂતોને ભાવ નીચા જવાની ચિંતા છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
(વિથ ઇનપુટ- અજીત ગઢવી, ભાવનગર)