રાજ્યમાં આ વર્ષે 18 એપ્રિલને સોમવારે ગુજકેટ (Gujcat) ની પરીક્ષા લેવામાં આવશે. જેમાં ભાવનગર (Bhavnagar) શહેર અને જિલ્લામાં કુલ 4948 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. ભાવનગરમાં આ પરીક્ષા માટે કુલ 24 સેન્ટર અને 250 બ્લોક રાખવામાં આવ્યાં છે તેમ ડીઇઓ કચેરીના મનોહરસિંહ ગોહિલે જણાવ્યું હતુ. ગુજકેટની પરીક્ષામાં ભાવનગરમાં આ વર્ષે કુલ 4948 પરીક્ષાર્થી નોંધાયા છે અને તે પૈકી ગુજરાતી માધ્યમના 4105 અને અંગ્રેજી માધ્યમના 843 વિદ્યાર્થીઓ છે. જ્યારે એ ગ્રુપના 1223 તેમજ બી ગ્રુપના 3725 વિદ્યાર્થીઓ (students) નોંધાયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12 સાયન્સની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ ગઇ હોય ગ્રૂપ-એ, ગ્રૂપ-બી અને ગ્રૂપ- એ,બીના વિદ્યાર્થીઓ 18 એપ્રિલે લેવાનારી ગુજકેટની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે.ગુજકેટની પરીક્ષામાં વ્યાખ્યાઓ, સિદ્ધાંતો, નિયમો, વિધાનો, એકમો, સૂત્રો અને નાની ગણતરીઓ આધારિત પ્રશ્નો પુછાય છે. આ પ્રમાણે શક્ય હોય એટલા જુદા-જુદા વિભાગ પ્રમાણે તૈયારી કરવી જોઈએ. તા.18 એપ્રિલે યોજાનારી ગુજકેટની પરીક્ષામાં સવારે 10 થી 4 વાગ્યા સુધીમાં ત્રણ પેપરો ભાવનગર સહિતના તમામ જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે લેવામાં આવશે. તેમ ડીઈઓ કચેરીના રાજુભાઈ ભટ્ટે જણાવ્યું હતું.
આ પરીક્ષામાં કુલ 3 પેપરો લેવાશે. જેમાં પ્રથમ પેપરમાં ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રનું પેપર સંયુક્ત લેવાશે જેમાં બન્ને વિષયોના ઓએમઆર પદ્ધતિના 40-40 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના 80 ગુણ રહેશે અને તેના માટે 120 મિનિટ નો સમય આપવામાં આવશે. જ્યારે જીવવિજ્ઞાન અને ગણિતના પેપરો અલગ-અલગ રહેશે અને તેમાં 40-40 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેમાં 60-60 મિનિટ નો સમય આપવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો