ભાવનગરમાં પરીક્ષા ભરતીમાં થયેલા ડમીકાંડમાં એકબાદ એક નવા ખૂલાસા થઈ રહ્યા છે અને આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે યુવરાજસિંહના જ નજીકના ગણાતા બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ સામે ડમીકાંડમાં ખંડણી માગવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજસિંહે બિપીન ત્રિવેદીએ કરેલા આક્ષેપોનું ખંડન કર્યુ છે. પોતાના વિરૂદ્ધ થયેલા આરોપો સામે સોશિયલ મીડિયા મારફતે યુવરાજસિંહે સ્પષ્ટતા કરી છે.
યુવરાજે દાવો કર્યો કે, મે જીંદગીમાં ખોટુ કર્યું નથી, અને ક્યારેય ખોટું કરીશ નહીં. જોકે યુવરાજનો આરોપ છે કે કેટલાક રાજકીય નેતાઓ તેની પાછળ પડ્યા છે અને યેનકેન પ્રકારે વિવાદમાં ઢસડીને તેનું મોંઢુ બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યુવરાજે સરકાર સામે નિશાન તાક્યું, અને હાલની સ્થિતિ માટે સરકારને જવાબદાર ઠેરવી.
વધુમાં યુવરાજસિંહે જણાવ્યુ કે જે વાયરલ ચેટ સામે આવી છે તેમા અધૂરી વાર્તા છે. મે સામેની વ્યક્તિ પાસેથી વાત કઢાવવા માટે મેસેજથી વાત કરી હતી. યુવરાજે ચેટ બાબતે કહ્યુ કે આખી ચેટ જોશો તો મારુ સ્ટેન્ડ ક્લિયર થઈ જશે. જે લોકો આ ષડયંત્રમાં સંડોવાયેલા હોય એ ષડયંત્ર બહાર લાવવા માટે જે પ્રયાસો થઈ શકે તે મે કર્યા છે.
વધુમાં યુવરાજે કહ્યુ કે આ ષડયંત્ર ડમીકાંડમાં જે 36 લોકો સામે આવ્યા છે તે આ 36 લોકો પૂરતુ સિમીત નથી. હજુ અનેક નામો બહાર આવશે. ડમી વિદ્યાર્થીઓ, ડમી માર્કશીટ અને ડમી પ્રમાણપત્રોને લઈને પણ લડાઈ શરૂ છે. હજુ ઘણુ સામે આવશે. આ ડમીકાંડમાં હજુ અમુક અસામાજિક તત્વો પણ સામે આવશે. હજુ મોટા ખૂલાસાઓ થવાના બાકી છે. યુવરાજે કહ્યુ મને ષડયંત્રમાં ફસાવવાનો પ્રયાસ નિષ્ફળ સાબિત થશે. જે ખોટુ કરી રહ્યા છે તેને ઉજાગર કરવાનો પ્રયાસ કરીશ. મારી સામે થયેલા આરોપો મુદ્દે હું કાનુની મદદ પણ લઈશ.
ઈનપુટ ક્રેડિટ- અજીત ગઢવી- ભાવનગર
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…