Bhavnagar: શહેરમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં, વીજળી પડતાં 2 મોત

|

Jun 19, 2022 | 8:27 PM

મહુવા તાલુકાના જાગધાર ગામે મનરેગા રાહત કામગીરી સમયે ત્રણ લોકો પર વીજળી પડતાં બેનાં મોત થયાં છે અને એકને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તને સારવાર માટે હનુમંત હોસ્પિટલ ખસેડાયા છે.

ભાવનગર (Bhavnagar) શહેરમાં ધોધમાર વરસાદ (Rain) પડતાં અનેક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં (water logging) છે. શહેરના કુંભારવાડા, તલાવડી, કાળિયાબીડ સહિતના વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાતા મનપાની પ્રિ-મોનસૂન કામગીરી પોલ ખુલી ગઈ છે. રસ્તાઓમાં પાણી ભરાતાં વાહન ચાલકોને હાલાકી પડી છે તો પગપાળા જતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ વરસાદ સાથે જ વીજ ધાંધીયા શરૂ થઈ ગયા છે. શહેરના અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હોવાથી ભાવનગર જિલ્લાના અમુક ગામડાઓમાં વાવણીઓ શરૂ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

ભાવનગર જિલ્લાની વાત કરીએ તો મહુવા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની વરસાદ પડ્યો છે. નાનાજાદરા, ભાદરા, ધુધાળા, નેસવડ, તાવેડા, ઉમનીયાવદર, તારેડ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. જેમાં જાગધાર ગામે મનરેગા રાહત કામગીરી સમયે ત્રણ લોકો પર વીજળી પડતાં બેનાં મોત થયાં છે અને એકને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તને સારવાર માટે હનુમંત હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે બંને મૃતકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

જિલ્લામાં મહુવા ઉપરાંત જેસર તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જેેસર તાલુકાના છાપરીયાળી, તાતણીયા, કોબાડીયા, કરજાળા, શાંતિનગર, બીલા, કોતમુઈ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે અને વાવણી માટેની તૈયારીઓ આરંભી દીધી છે.

Published On - 7:34 pm, Sun, 19 June 22

Next Video