
ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં બેફામ કાર ચલાવી અકસ્માત સર્જવાની ઘટના બની છે. જો કે મોટી વાત એ છે કે કાયદાના રક્ષકના પુત્રએ જ બેફામ કાર ચલાવીને 4 લોકોને અડફેટે લીધા હતા. દુર્ઘટનામાં બે લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 2 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
ભાવનગરમાંથી અકસ્માતની એક ભયાવહ ઘટના સામે આવી છે અને કમકમાટી ભરેલો ઘટનાક્રમ CCTVમાં કેદ થઈ ગયો છે. કાયદાના રક્ષકનો પુત્ર જ ભક્ષક બન્યો. ભાવનગર LCBના ASIના પુત્રએ રસ્તા પર કહેર વર્તાવ્યો. બેફામ રીતે CRETA કાર હંકારી 4 લોકોને અડફેટે લીધાં. જેમાં એકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે.
અકસ્માતમાં ભાર્ગવ ભટ્ટી અને ચંપા વાંછાણી નામના વૃદ્ધાનું મોત નિપજ્યું છે. મૃતક ભાર્ગવ ભટ્ટીના હજુ થોડા દિવસ પહેલાં જ લગ્ન થયા હતા. પરિવાર હાલ શોકમાં ગરકાવ છે. આરોપીનું નામ હર્ષરાજ ગોહિલ હોવાનું અને ઉંમર 20 વર્ષ હોવાનું સામે આવ્યું છે. ચર્ચા ઊઠી રહી છે કે આરોપીએ તેના મિત્ર સાથે રેસ લગાવી હતી. અને તેમાં જ આ ભયાવહ અકસ્માત સર્જાયો. કારની સ્પીડ 100 થી 120 કિ.મી. હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે આ ઘટના રેસની હતી કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં રેસ અને સ્ટંટના ક્રેઝની ઘટનાઓ ચિંતાજનક સ્તરે વધી રહી છે. ભૂતકાળામાં આવી ઘટનાઓમાં.. અનેક વાહનોનો કચ્ચરઘાણ નીકળી ચુક્યો છે. અને પોલીસ પુત્ર હર્ષરાજ ગોહિલે… બેફામપણે કાર હંકારી બે લોકોનો જીવ લઈ લીધો છે. ત્યારે શું રેસને લીધે આ ઘટના સર્જાઈ કે કેમ.. તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
જો કે પોલીસનો દાવો છે કે આરોપીએ અકસ્માત બાદ તેના પિતાને અને પછી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને સામે ચાલીને જ પોલીસ સ્ટેશન હાજર થયો હતો. પણ સવાલ ઊઠી રહ્યા છે કે પોલીસ પુત્ર હોવાથી ક્યાંક તેને છાવરવાનો તો પ્રયાસ નથી કરાઈ રહ્યો ને ?