
લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને સેવાનું કેન્દ્ર એવું ભાવનગરનું પ્રસિદ્ધ બગદાણા ધામ ફરી એક વખત વિવાદના વમળમાં સપડાયું છે. આસ્થાની આ ભૂમિ પર આજે સામાજિક અસંતોષ અને રાજકીય દખલગીરીના ગંભીર આક્ષેપો ગુંજી રહ્યા છે. અગાઉ બગદાણા ગામના કોળી સમાજના યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલાની ઘટનામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું નામ સામે આવ્યું હતું અને તેમને જેલમાં પણ જવું પડ્યું હતું. આ વિવાદ હજુ પૂરો શાંત નથી થયો ત્યાં હવે કોળી સમાજે નવા મુદ્દાઓ સાથે ટ્રસ્ટ મંડળ સામે મોરચો માંડ્યો છે, તો બીજી તરફ આ મામલે કોંગ્રેસ પણ મેદાને ઉતરી છે.
તાજેતરમાં જ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો બગદાણા ખાતે એકત્રિત થયા હતા અને નવનીત બાલધિયાની આગેવાનીમાં ટ્રસ્ટ મંડળ તથા વહીવટદારને આવેદનપત્ર પાઠવી વિવિધ 14 માંગણીઓ રજૂ કરી હતી. આ 14 માંગણીઓમાં પ્રથમ અને મુખ્ય માંગ એ છે કે બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટી મંડળમાં સ્થાનિક કોળી સમાજના વ્યક્તિને સ્થાન આપવામાં આવે. આ ઉપરાંત બીજો મહત્વનો મુદ્દો એ છે કે બજરંગદાસ બાપાની આગામી 50મી પુણ્યતિથિના કાર્યક્રમનું સ્ટેજ સંચાલન માયાભાઈ આહીરને ન સોંપવામાં આવે. સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો આ માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
આ વિવાદમાં બગદાણા ધામની આસપાસના નાના ધંધાર્થીઓ અને પાથરણાવાળાઓએ પણ આશ્રમ પ્રશાસન અને ટ્રસ્ટના ઈશારે તેમને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સાથે જ આશ્રમની જમીનને લઈને ચાલી રહેલા વિવાદ, વહીવટમાં રાજકીય વ્યક્તિઓની કથિત દખલગીરી અને મુંબઈથી બગદાણા આશ્રમનું સંચાલન થતું હોવાના આક્ષેપો સાથે ભાજપના ધારાસભ્ય સામે પણ કોળી સમાજના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી છે. કોળી આગેવાન કાળુ જાંબુચા સહિત આ વિસ્તારના કોંગ્રેસ આગેવાન અશોક મામસીએ પણ આ જ પ્રકારના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. જોકે, આ સમગ્ર મામલે જ્યારે બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટી મંડળનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે કોઈપણ પ્રતિક્રિયા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
બીજી તરફ, સ્થાનિક ધંધાર્થીઓ અને વહીવટદારો વચ્ચેના આ વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. બે દિવસ અગાઉ દેવગડા ગામના ઉમેશસિંહ ગોહિલે સ્થાનિકો સાથે મળીને વિરોધ કરનાર નવનીત બાલધિયા પર જ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો મૂક્યા છે. ઉમેશસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે નવનીત બાલધિયાએ બગદાણાને કોરી ખાવામાં કંઈ બાકી રાખ્યું નથી અને હવે તેઓ બીજા પર આરોપ નાખીને પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે.
આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને રાજકીય ગરમાવા વચ્ચે સામાન્ય શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકો અને ગુરુ આશ્રમમાં નિસ્વાર્થ સેવા આપતા કોળી સમાજના લોકો પણ સ્પષ્ટપણે માની રહ્યા છે કે આસ્થાના આ પવિત્ર ધામમાં કોઈએ રાજકીય રોટલા ન શેકવા જોઈએ અને ધામની ગરિમા જળવાઈ રહેવી જોઈએ. કોળી સમાજ અને કોંગ્રેસના આગેવાનો આ વિવાદમાં ઝંપલાવી રહ્યા છે, ત્યારે આ વિવાદને શાંત પાડવા માટે સનાતન ધર્મના આગેવાનો કેમ આગળ નથી આવી રહ્યા, તેને લઈને પણ હવે સવાલો ઉઠી રહ્યા છે.