ભરૂચ(Bharuch) જિલ્લાના વાગરા સ્થિતિ ચાંચવેલ પેટ્રોલપંપ(Petrol Pump) ઉપર મોડીરાતે બુકાનીધારી લૂંટારુઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. બંદૂક સાથે પેટ્રોલ પંપ ઉપર ત્રાટકેલા બે લૂંટારુઓએ બંદૂક બતાવી કર્મચારીને ઓફિસમાં લઈ આવ્યા હતા જ્યાં તેને મારમારી ભયભીત કરી ઓફિસમાં મુકાયેલી કેશની માંગણી કરી હતી. લૂંટારુઓ ૩૦ હજાર રૂપિયાની લૂંટ કરી કર્મચારીને ઓફિસમાં ગોંધી દઈ ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ કર્મચારીના દ્વારા પમ્પના સંચાલકને કરાતા પોલીસને હકીકતથી વાકેફ કરવામાં આવી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી પોલીસે લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.
જુઓ લૂંટના લાઈવ દ્રશ્યો:
ભરૂચના ચાંચવેલ ખાતે આવેલ પેટ્રોલ પંપ ઉપર રિવોલ્વરની અણીએ હજારોની લૂંટ..
બાઇક ઉપર આવેલા બે બુકાની ધારીઓએ આપ્યો લૂંટને અંજામ…#Bharuch #Crime #Loot #TV9News pic.twitter.com/6NXifXOfeT— Tv9 Gujarati (@tv9gujarati) May 9, 2022
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા સ્થિત અંતરિયાળ ચાંચવેલ ગામના પેટ્રોલ પંપ ઉપર રાતના સુમારે એકાદ બે કર્મચારીઓ જ રહેતા હોવાની રેકી કરી મોડી રાતે બે મોટરસાઇકલ સવાર બુકાની બાંધી પેટ્રોલ પમ્પ ઉપર પહોંચ્યા હતા. પમ્પ ઉપર એકજ કર્મચારી હોવાનું કન્ફર્મ થતા મોટર સાઇકલ સવાર બંને શખ્સોએ કર્મચારી ઉપર ધાવો બોલાવી દીધો હતો. મારામારી કરી પંપના કર્મચારીના લમણે બંદૂક મૂકી લૂંટારુઓ તેને પમ્પની ઓફિસમાં લઈ ગયા હતા.
લૂંટારુના હાથમાં બંદૂક હોવાથી કર્મચારી ખુબ ગભરાઈ ગયો હતો અને ધ્રુજવા લાગ્યો હતો. લૂંટારુઓએ તેને માર મારી હિન્દી ભાષામાં ઓફિસમાં જેટલા પણ પૈસા હોય તે આપી દેવા જણાવ્યું હતું. ધૂજતા હાથે કર્મચારીએ ઓફિસના ટેબલનું ખાણું ખોલી અંદાજિત રૂપિયા ૩૦ હજાર જેટલી રકમ લૂંટારૂઓને સોંપી દીધી હતી. બંને લૂંટારુઓ પમ્પના કર્મચારીને ઓફીસમાજ બેસી રહેવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. ડરના કારણે થોડો સમય કર્મચારી ઓફિસના ફ્લોર ઉપર બેસી રહ્યો હતો જેને લૂંટારુઓ ફરાર થઇ ગયા હોવાની ખાતરી થતા પમ્પના સંચાલકને ઘટનાની જાણ કરી હતી.
મોડી રાતે બનાવની જાણ વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લૂંટની આખી ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ હતી. ફૂટેજના આધારે ભરૂચ પોલીસે લૂંટારુઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હિન્દીભાષી લૂંટારુઓ ગુજરાત બહારના છે કે પોલીસને ગુમરાહ કરવા હિન્દી ભાષામાં પૈસાની માંગણી કરી હતી તે તમામ પાસાઓની પોલીસે માહિતી મેળવવાનું શરૂ કર્યું છે.બનાવ સંદર્ભે વાગરા પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ કરી વાગરા પોલીસે આગળની તાપસ શરૂ કરી છે.
Published On - 10:11 am, Mon, 9 May 22