ભરૂચ(Bharuch )માં ૨૪ કલાકમાં ડૂબી જવાથી મોતની બે ચકચારી ઘટનાઓ સામે આવતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું હતું. એક તરફ ભરૂચ નજીક નર્મદા નદી ઉપર બનાવાયેલા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી યુવાને પ્રેમિકાની નજર સામે મોતની છલાંગ લગાવી દીધી તો ઝઘડિયાના પરિણીત પુરૂષ સાથે રહેતી જોલવાની પ્રેમિકા પાયલનો ગુમ થયા બાદ 19 દિવસે દશાન ગામેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલો હત્યા , આત્મહત્યા કે અકસ્માત છે? તે પ્રશ્નનો અંકલેશ્વર શહેર પોલીસ જવાબ શોધી રહી છે. યુવાનનો હજુ કોઈ પત્તો મળ્યો નથી જયારે યુવતીની લાશને પોસ્ટ મોટર્મ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયા સુસાઇડ પોઇન્ટ તરીકે બદનામ થયો છે. અંકલેશ્વરના કોસમડી ગામે રહેતો પ્રેમી તેની પરિણીત પ્રેમિકાને લઈ બ્રિજ ઉપર પોહચ્યો હતો. અહીં પ્રેમિકાની નજર સામે જ પ્રેમી નદીમાં કૂદી પડતા પાણીમાં ગરકી ગયો હતો. અંકલેશ્વરના કોસમડી ગામે વર્ષો પહેલા 24 વર્ષીય પુષ્પરાજ કાલિદાસ પ્રજાપતિની પાડોશી પરિણીતા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાન પરિણીત પ્રેમિકાની પતિ સાથે છૂટાછેડાની કાર્યવાહી પણ શરૂ થઇ હતી. બે મહિના પહેલા મધ્યપ્રદેશથી યુવતી તેના માં બાપને છોડી તેના પ્રેમી પુષ્પરાજ પાસે આવી ગઈ હતી.
બન્ને સહમતીથી સાથે રહેતા હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ કોસમડી ગામે રહેતો 24 વર્ષીય યુવક પુષ્પરાજ કાલિદાસ પ્રજાપતિ તેની પરિણીત પ્રેમિકા સાથે નર્મદા મૈયા બ્રિજ પર ફરવાં ગયો હતો. અહીં બન્ને વચ્ચે કોઈક તકરક કે અન્ય કારણોસર પ્રેમિકાની સામે જ પ્રમેઇએ મોતની છલાંગ લગાવી હતી. બનાવની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને થતા અંકલેશ્વર સી.ટી.પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી યુવતીને તપાસ અર્થે અંકલેશ્વર સી. ટી.પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.નદીમાં પ્રેમીની શોધખોળ હાથ ધરાઈ છે.
અન્ય એક ઘટનામાં ઝઘડિયાના પરિણીત પુરૂષ સાથે રહેતી જોલવાની પ્રેમિકા પાયલનો ગુમ થયા બાદ 19 દિવસે દશાન ગામેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી હત્યા કે દુર્ઘટના અંગે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ઝઘડિયાના સિમોદરા ખાતે રહેતો પરિણીત કિશન માનસંગ વસાવા જોલવાની 21 વર્ષીય પાયલના પ્રેમમાં પડ્યા બાદ બે મહિના પહેલા લગ્ન કરવાનું વચન આપી દાદીના ઘરેથી પોતાની સાથે લઈ ગયો હતો.અંકલેશ્વરના અંદાડા ગામે મકાન ભાડે રાખી તે પ્રેમિકા પાયલ જોડે રહેવા લાગ્યો હતો. જોકે 25 ઓગસ્ટે પૌત્રીનો ફોન બંધ આવતા દાદી અંદાડા પહોંચી હતી પણ કિશનનું ઘર બંધ હતું.
કિશનની પત્ની કરિશ્મા કિશન વસાવા રાજપારડીથી ઇકોમાં 3 મહિલા અને 2 પુરૂષોને લઈ અંદાડા 24 ઓગસ્ટે પોહચી હતી.પતિની પ્રેમિકાને માર મારી ઇકોમાં બેસાડી તેના ઘરે જોલવા મુકવા જતા હતા. દરમિયાન દશાન ગામે પાયલ ભાગી ગઈ હોવાનું જણાવ્યું હતું. પાયલ 19 દિવસથી ગુમ થવાની અને અપહરણની ફરિયાદ આપતા અંકલેશ્વર પોલીસે કિશનની પત્ની કરિશ્મા, સહીત ૪ ની ધરપકડ કરી હતી. દરમિયાન મંગળવારે સાંજે દશાન ગામ ખાતેથી પાયલનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. હવે પી.એમ. રિપોર્ટની રાહ જોવાય રહી છે જે આવ્યા બાદ પાયલની હત્યા કરાઈ છે કેમ તેનો ભેદ ખુલશે.