હુમલાની પોલીસ ફરિયાદ કરવાનું ટાળી ધારાસભ્ય સંજય સોલંકીએ સમાધાનમાંજ સમજદારી હોવાનું મન બનાવ્યું

મામલાને લઈ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ સ્પષ્ટતા કરી છે કે આ આંતરિક મામલો છે જેમાં જિલ્લા કોંગ્રેસના મોવડીઓને કોઈ લેવાદેવા નથી. ચૂંટણીના પડઘમ ગમેત્યારે વાગી શકે છે અને ટિકિટ માટે પુનરાવર્તનની સંજય સોલંકીએ પણ માંગ કરી છે ત્યારે હુમલો કરનાર નેતાઓ નારાજ રહે તેમ પરવડે તેવું ન હોવાનો સંજય સોલંકીને પણ અંદાજ છે

હુમલાની પોલીસ ફરિયાદ કરવાનું ટાળી ધારાસભ્ય સંજય સોલંકીએ સમાધાનમાંજ સમજદારી હોવાનું મન બનાવ્યું
Sanjay Solanki accused some leaders and threatened to file a police complaint
| Edited By: | Updated on: Nov 03, 2022 | 8:29 AM

કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં ભરૂચના  જંબુસરના કોંગી ધારાસભ્ય ઉપર હુમલાની ઘટના બાદ રાજકારણ ગરમાયુ હતું.  ટિકિટ વાંચ્છુકોએ હુમલો કરાવ્યાના સંજય સોલંકીએ આક્ષેપ કરતા રાજકીય વાતાવરણ ગરમાયુ હતું. ઘટના બાદ ધારાસભ્યએ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી હતી જોકે સામી ચૂંટણીએ કાર્યકરોની જરૂર પડવાનો અંદાજ આવતા સમાધાન માટે આવેલા નેતાઓની વાત માની જઈ સંજય સોલંકીએ ફરિયાદ નોંધવાનું માંડી વળ્યું હતું. એક તબક્કે ખુબ રોષમાં જણાતા ધારાસભ્ય સંજય સોલંકીએ બાદમાં જણાવ્યું હતું કે મામલે ફરિયાદ થાય તો પણ હુમલાખોરો ગણતરીના સમયમાં છૂટી જાય તેમ હોવાથી પળોજણમાં પડવાનું માંડી વળ્યું હતું.

MLA ને બાઇક ઉપરથી ફેંકી દેવાયા હતા

મંગળવારે જંબુસરથી આમોદ કાર અને બાઇક રેલી સ્વરૂપે યાત્રામાં આમોદ નજીક કોંગી MLA ને બાઇક ઉપરથી ફેંકી દેવાયા હતા. યાત્રાના રૂટ વિશે બે જૂથ વચ્ચે તકરાર બાદ મામલો બિચક્યો હતો. પ્રદેશ કોંગ્રેસમાં જિલ્લા મોવડી મંડળ ઉપર કાર્યવાહી કરવા ધારાસભ્યએ રજુઆત કરવાની તૈયારી બતાવી છે તો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ આંતરિક બાબતની તકરારમાં તેમના ઉપરખોટા આક્ષેપ કરાયા હોવાનું જણાવતા જૂથવાદ સપાટી ઉપર આવ્યો હતો.

કેટલાક નેતાઓ તરફ આક્ષેપ કરી પોલીસ ફરિયાદની ચમકી અપાઈ હતી

જંબુસરથી આજે શરૂ થયેલી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાના પ્રારંભે જ જૂથવાદના દ્રશ્યો જોવા મળ્યા હતા. આમોદ તરફ રેલી સ્વરૂપે આવી રહેલા જંબુસરના કોંગી MLA સંજય સોલંકીને બાઇક ઉપરથી ફેંકી દઇ હુમલો કરાતા રાજકીય તકરાર સપાટી ઉપર આવી હતી. કોંગી ધરાસભ્યે પોતાના ઉપર હુમલો ટિકિટ વાંચ્છુકોએ કર્યો હોવાનો આક્ષેપ લગાવતા હવે ભરૂચ જિલ્લામાં ચૂંટણી પેહલા જ કોંગ્રેસમાં આંતરિક ખટરાગ સામે આવ્યો હતો. સહકારી સંસ્થામાંથી ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિવાદમાં આવેલા રાજકીય આગેવાનને જંબુસરમાંથી ચૂંટણી લડવામાં રસ હોવાના કારણે તે નેતાની હુમલાની ઘટનામાં ભૂમિકાનો પણ સંજય સોલંકીએ અણસાર આપતો આક્ષેપ કર્યો હતો.

સમાધાનમાં જ સમજદારી

મામલાને લઈ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ સ્પષ્ટતા કરી છે કે આ આંતરિક મામલો છે જેમાં જિલ્લા કોંગ્રેસના મોવડીઓને કોઈ લેવાદેવા નથી. ચૂંટણીના પડઘમ ગમેત્યારે વાગી શકે છે અને ટિકિટ માટે પુનરાવર્તનની સંજય સોલંકીએ પણ માંગ કરી છે ત્યારે હુમલો કરનાર નેતાઓ નારાજ રહે તેમ પરવડે તેવું ન હોવાનો સંજય સોલંકીને પણ અંદાજ છેત્યારે મામલે લડાયક મિજાજને બાજુએ મૂકી સમાધાન કરવામાં જ ભલાઈ હોવાનું તેમણે ડહાપણભર્યું હોવાનું માન્યું છે.

Published On - 8:05 am, Thu, 3 November 22