ભરૂચ પોલીસે ટૂંકા સમયગાળામાં બીજી વખત LPG GAS રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ભરૂચ શહેર સી” ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમે ચાવજ ગામની સીમમાં ઘરેલુ LPG GAS ની બોટલોમાંથી ગેસની ચોરી કરી રિફિલિંગ કરતી ગેંગને ઝડપી પાડી રૂપિયા ૭,૫૪,૫૨૦ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ આગાઉ 22 ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામમાં ફાર્મ હાઉસમાં ડોમેસ્ટિક LPG સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવાના કૌભાંડને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું હતું. આ મામલામાં ૩ લોકોની ધરપકડ કરી 82 ગેસ સિલિન્ડર સાથે લખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ભરૂચ સી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન મળેલ બાતમી આધારે ચાવજ ગામની સીમમાં રેડ કરવામાં આવી હતી. અહીં ઘરેલુ વપરાશના ગેસના બોટલોમાંથી એલ્યુમીનીયમની ધાતુની પાઇપની મદદથી ભરેલા ગેસના બોટલમાંથી ખાલી ગેસના બોટલમાં ગેસનું રીફીલીંગ કરી ચોરી કરતા ચાર ઈસમોને સ્થળ ઉપર ઝડપી પાડવામાં આવ્યા હતા.ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ દ્વારા સ્થળ ઉપરથી લાલચંદ મોહનરામ બિસ્નોઈ, સમુંદર હરીરામ પુનીયા, મહિપાલ કિશનારામ ગોધારા અને સુનીલભાઈ માંગીલાલ સીયાકની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસની દરોડાની કાર્યવાહી દરમ્યાન કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સુભાષ બીશ્નોઈ ફરાર થઇ ગયો હતો જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે ઇન્ડેન ગેસ કંપનીના ઘરેલુ વપરાશના બોટલ નંગ-૮૭ તથા HP ગેસ કંપનીના ધરેલુ વપરાશના બોટલ નંગ-૧૩ મળી ઘરેલુ વપરાશના કુલ ૯૫ બોટલ કબ્જે કર્યા છે. આ ગુનામાં ૨,૩૪,૩૨૦ રૂપિયાના ગેસ સિલિન્ડર મહીન્દ્રા બોલેરો પીક અપ ટેમ્પો, રીફીલીંગ કરવાની પાઇપ, અલગ -અલગ ગેસ કંપનીના માર્કાવાળા સીલ મળી ફુલ કિમત રૂપીયા ૭,૫૪,૫૨૦૪ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી ગેંગ દ્વારા ખુબજ જોખમી રીતે ગેસનું રિફિલિંગ કરવામાં આવતું હતું. બે તરફ ગેસના બોટલ મૂકી વચ્ચે એક નાની પાઇપ ગોઠવી બોટલ એકબીજા તરફ દબાવવામાં આવતા હતા. સ્પિન્ગ સાથે એટેચ વાલ્વ દબાવથી ગેસ ભાર નીકળતો હતો જે બીજી તરફના ખાલી સિલિન્ડરમાં ભરવામાં આવતો હતો. આ કાવતરા દરમ્યાન ગેસ લીક પણ થતો હોય છે. નાની ચિંગારી મોટા વિસ્ફોટને આમંત્રણ આપી શકે છે. પોતાની અને આસપાસ રહેતા લોકોની જનની પરવાહ કર્યા વગર ટોળકી ગેર રિફિલિંગ કરી રહી હતી.