
Gujarat Talati Exam 2023: ગ્રામ પંચાયત સેક્રેટરી એટલેકે તલાટી કમ મંત્રીની સ્પધાત્મક પરીક્ષામાં હજારો યુવક -યુવતીઓએ પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવવા આ પરીક્ષા આપી હતી. ભરૂચમાં પણ 18000 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. મોટી સંખ્યામાં પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ માટે વ્યવસ્થા અને અનુકૂળ વાતાવરણ ઉભું કરવું તંત્ર માટે પણ એક પડકાર હતો. અન્ય શહેરોમાંથી પરીક્ષા આપવા ભરૂચમાં આવેલા કેટલાક પરીક્ષાર્થીઓ નાની મોટી તકલીફોમાં પણ પડ્યા હતા. આ સમયે ભરૂચમાં માનવતાના અનેક ઉદાહરણ જોવા મળ્યા હતા. રીક્ષા ચાલકે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી ચાર્જ લીધા વગર પહોંચાડ્યા તો પોલીસે(Police) કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે અટવાઈ પડેલા યુવક – યુવતીઓના મદદગારની ભૂમિકા ભજવી હતી.
ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સ્પર્ધાતમક લેખિત પરીક્ષા તારીખ ૦૩/૦૫/૨૩ના રોજ યોજાઈ હતી. ભરૂચ જીલ્લામાં 60 કેન્દ્ર , ૬૦૦ બ્લોક અને ૧૮૦૦૦ ઉમેદવારો પરીક્ષા માટે નોંધાયા હતા જે અન્વયે ભરૂચ જીલ્લા ખાતે આ લેખિત પરીક્ષાનું સુચારૂ રૂપે આયોજન અને સંચાલન થાય તેમજ ઉમેદવારો નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તેમજ ડો.લીના પાટીલ પોલીસ અધિક્ષકના માર્ગેદાન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા કુલ ૬૦ કેન્દ્રો ઉપર પોલીસ બંદોબસ્ત તેમજ ટ્રાફીક નિયમનની કામગીરી માટે 2 નાયબ પોલીસ અધિક્ષક, 8 પોલીસ ઈન્સ્પેકટર, 42 પોલીસ સબ ઈન્સ્પેકટર તથા 367 જેટલા પોલીસ કર્મચારી અને 1 એસ.આર.પી. સેકસન બંદોબસ્ત માટે રાખવામાં આવ્યા હતા.
રવિવારની રજા અને પબ્લિક ટ્રાન્સપોર્ટની ઓછી વ્યવસ્થાના કારણે બહારગામથી અંકલેશ્વરમાં આવેલા કેટલાક પરીક્ષાર્થીઓને કેન્દ્ર શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે એક રીક્ષા ચાલકે પસંશનીય પગલું ભર્યું હતું. ઈરફાન શેખ નામના રીક્ષા ચાલકે એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર પરીક્ષાર્થીઓને તેમના કેન્દ્ર સુધી પહોંચાડય હતા. ભરૂચ જિલ્લા પોલીસે આ રિક્ષાચાલકની માનવતાને બિરદાવી હતી.
કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરીમાં તૈનાત કરાયેલ પોલીસકર્મીઓ પણ મદદગાર તરીકે સામે આવ્યા હતા. અંકલેશ્વરમાં રેલવે સ્ટેશનથી પરીક્ષા કેન્દ્ર પગપાળા જતા પરીક્ષાર્થીઓ ઉપર અંકલેશ્વર શહેર SHE ટીમની પેટ્રોલીંગ દરમિયાન નજર પડી હતી ત્યારે આ ઉમેદવારોને અંકલેશ્વર શહેર SHE ટીમે સરકારી વાહનમાં સમયસર કેન્દ્ર પર પહોંચાડ્યા હતા.ઝાડેશ્વર ખાતે એક યુવતી ખુબ ગભરાઈ ગઈ હોવાની ભરૂચ SHE ટીમને માહિતી મળતા તેની પાસે પહોંચી મનોબળ વધારી પરીક્ષાએ કેન્દ્ર ખાતે પહોચાડવામાં આવી હતી.
વલસાડ જિલ્લા ખાતેથી અંકલેશ્વર એક પરીક્ષાર્થી પરીક્ષા આપવા આવ્યો હતો. આ પરીક્ષાર્થી પોતાના પરીક્ષા કેન્દ્રથી દૂર પહોંચી ગયો હતો. અંકલેશ્વર શહેર એ ડીવીઝન પો.સ્ટે.ની આલ્ફા-ર મોબાઇલ પેટ્રોલીંગ વાનને પરીક્ષાર્થીની જાણ થતા આ પરીક્ષાર્થીને પોલીસ દ્વારા આ તાત્કાલિક તેઓના પરીક્ષા કેન્દ્ર પર પોહચાડવામાં આવ્યો હતો.
પરીક્ષાર્થીઓએ પાસપોર્ટ ફોટા લાવવા સૂચના આપવામાં આવી હતી. ઉતાવળ અને પરીક્ષાની ચિંતામાં ઘણા યુવક – યુવતીઓ ફોટા ભૂલી ગયા હતા.ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન અને નબીપુર પોલીસે રજા હોવા છતાં દુકાનદારોનો સંપર્ક કરી દુકાન ખોલાવી ફોટાની વ્યવસ્થા કરી આપી હતી.