Breaking News : નર્મદા કિનારેથી સાબરમતી સુધી… ભરૂચની 250 વર્ષ જૂની રથયાત્રાનો અમદાવાદ સાથે છે ઐતિહાસિક સંબંધ!

ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની સૌથી જૂની રથયાત્રા ભરૂચના ફૂરજા બંદરેથી શરૂ થઈ હોવાનું સ્થાનિક ઐતિહાસિક પરંપરા અને ભોઈ સમાજનો દાવો છે. અંદાજે અઢી સદીથી વધુ સમયથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા ભરૂચમાં નીકળે છે.

Breaking News : નર્મદા કિનારેથી સાબરમતી સુધી... ભરૂચની 250 વર્ષ જૂની રથયાત્રાનો અમદાવાદ સાથે છે ઐતિહાસિક સંબંધ!
| Updated on: Jul 15, 2026 | 5:08 PM

ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની સૌથી જૂની રથયાત્રા ભરૂચના ફૂરજા બંદરેથી શરૂ થઈ હોવાનું સ્થાનિક ઐતિહાસિક પરંપરા અને ભોઈ સમાજનો દાવો છે. અંદાજે અઢી સદીથી વધુ સમયથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા ભરૂચમાં નીકળે છે. ભરૂચના ભોઈ સમાજે આ પરંપરાને પેઢી દર પેઢી જાળવી રાખી છે.

ફૂરજા બંદરે મંદિરનું નિર્માણ થયું

એક સમયે ભરૂચનું ફૂરજા બંદર દેશ-વિદેશના વેપારનું મહત્વનું કેન્દ્ર હતું. અહીં ભોઈ સમાજના લોકો મજૂરી અને ખલાસી તરીકે કાર્ય કરતા હતા. ઓડિશાથી આવતા વેપારીઓ અને ભક્તોના સંપર્કમાં આવ્યા બાદ ભગવાન જગન્નાથ પ્રત્યેની આસ્થા વિકસી હતી. આ બાદ ફૂરજા વિસ્તારમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાનું મંદિર બનાવવામાં આવ્યું અને ત્યાંથી રથયાત્રાની પરંપરાનો પ્રારંભ થયો હોવાનું કહેવાય છે.

ભરૂચની રથયાત્રાનું આયોજન આજે પણ ભોઈ સમાજ દ્વારા કરવામાં આવે છે. રથોની તૈયારીથી લઈને ભગવાનના શણગાર, પૂજા-વિધિ, મહાપ્રસાદ, ભક્તોની વ્યવસ્થા અને સમગ્ર યાત્રાના સંચાલનની જવાબદારી સમાજના આગેવાનો અને સ્વયંસેવકો સંભાળે છે. આ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ ભોઈ સમાજની સાંસ્કૃતિક ઓળખ પણ છે.

ત્રણ રથમાં ભગવાનની ભવ્ય સવારી

ભરૂચની વિશેષતા એ છે કે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણ અલગ-અલગ રથમાં બિરાજમાન થાય છે. અષાઢી બીજના શુભ દિવસે વિશેષ પૂજા-અર્ચના બાદ ત્રણેય રથ ભક્તોના જયઘોષ વચ્ચે શહેરમાં પ્રસ્થાન કરે છે. માર્ગમાં વિવિધ સ્થળોએ આરતી, પુષ્પવર્ષા અને પ્રસાદનું આયોજન થાય છે.

અમદાવાદની રથયાત્રા સાથે ભરૂચનો ગૌરવશાળી સંબંધ

અમદાવાદની પ્રથમ જગન્નાથ રથયાત્રા શરૂ થવા પહેલાં ભરૂચના ખલાસી સમાજે નાળિયેરના લાકડામાંથી ત્રણ સુંદર રથ બનાવી મહંત નરસિંહદાસજીને ભેટ આપ્યા હતા. આ જ રથમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરીને અમદાવાદમાં પ્રથમ રથયાત્રા નીકળી હોવાનું ઐતિહાસિક વર્ણનોમાં નોંધાયુ છે.

અમદાવાદમાં રથ ખેંચવાનો ખલાસીઓને મળેલો ગૌરવ ભરૂચની માતાના પ્રતાપે મળ્યો

એક લોકપ્રચલિત પરંપરા અનુસાર વર્ષ 1878માં ભરૂચની એક ખલાસી માતાએ અમદાવાદના મહંત સમક્ષ ભગવાનના રથ ખેંચવાની સેવા ભરૂચના ખલાસીઓને આપવામાં આવે તેવી વિનંતી કરી હતી. મહંતે આ વિનંતી સ્વીકારી અને ત્યારથી અમદાવાદની પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રામાં ભગવાનના રથ ખેંચવાનો પ્રથમ અધિકાર ખલાસી સમાજને મળ્યો હોવાનું માનવામાં આવે છે. આજે પણ આ પરંપરા ગૌરવપૂર્વક જળવાઈ રહી છે.

 

Follow Us