
ભરૂચવાસીઓને રખડતા શ્વાનના ત્રાસથી મુક્તિ અપાવવા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. રખડતા શ્વાનના વધતા હુમલાઓને પગલે ભરૂચ નગરપાલિકાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે એક મહિનામાં 1094 નાગરિકો પર કૂતરાના હુમલાની ઘટનાઓ બાદ તંત્ર સફાળું જાગ્યું છે.
1 મહિનામાં સિવિલ હોસ્પિટલ ભરૂચમાં સારવાર લેનાર દર્દીઓના નોંધાયેલા ચોંકાવનારા આંકડાએ પ્રશાસનને તાત્કાલિક પગલાં લેવા મજબૂર કર્યું છે. સ્થાનિક રહેવાસીઓની સતત ફરિયાદો અને હડકવાના વધતા ભયને ધ્યાને લઈ વ્યાપક કાર્યવાહી શરૂ કરાઈ છે.
હડકવા એટલે રેબીઝ એક ઘાતક વાયરલ રોગ છે જે ચેપગ્રસ્ત પ્રાણીના કરડવાથી ફેલાય છે. આ રોગ મગજ અને નર્વસ સિસ્ટમને અસર કરે છે. સમયસર સારવાર ન મળે તો મૃત્યુ અનિવાર્ય છે. એટલે જ કૂતરાનું રસીકરણ પણ અત્યંત જરૂરી છે.
ટૂંકા સમયગાળામાં 150 રખડતા શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. શહેરમાં ખાસ ડોગ શેલ્ટર હોમ બનાવાયું છે. અહીં કૂતરાને પકડી ડોગ શેલ્ટર હોમમાં લાવી સંપૂર્ણ તબીબી સારવાર આપવામાં આવે છે. અહીં ખસ્સીકરણ અને હડકવા વિરોધી રસી આપ્યા બાદ સ્વસ્થ થયેલા શ્વાનને તેમના મૂળ વિસ્તારમાં છોડવામાં આવે છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિથી કૂતરાની વસ્તી નિયંત્રિત રહે છે અને રોગનું જોખમ ઘટે છે.
ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. સંપૂર્ણ શહેરને રેબીઝ મુક્ત બનાવવા અમે પ્રતિબદ્ધ છીએ. આ માટે શહેરના તમામ 14 વોર્ડમાં તબીબકવાર કામગીરી કરવામાં આવી રહી છે.
હડકવાને હાઈડ્રોફોબિયા અથવા રેબીસ પણ કહેવાય છે. આ એક ગંભીર વાયરલ ચેપ છે જે સામાન્ય રીતે શ્વાનના કરડવાથી ફેલાય છે. આ રોગ ચેપી છે જે પહેલા પ્રાણીઓને થાય છે અને પછી ત્યાંથી માણસોમાં ફેલાય છે. હડકવો લાગ્યા પછી જો સમયસર યોગ્ય રસી ન લેવાય તો આ બીમારી લગભગ હંમેશા જીવલેણ સાબિત થાય છે. હડકવાના દર્દીને તાવ, ગભરાટ, અજીબ વર્તન, પાણી જોઈને કે પીતા વખતે ગભરાવું જેવા લક્ષણો જણાય છે.
ભરૂચ નગર પાલિકાના આ સમયબદ્ધ પગલાથી ભરૂચવાસીઓને રખડતા શ્વાનના ત્રાસમાંથી ટૂંક સમયમાં મુક્તિ મળશે તેવી આશા છે સાથે વાહનો પાછળ દોડતા શ્વાનના કારણે થતા અકસ્માતો પર પણ નિયંત્રણ મળવાની ધારણા કરાઈ રહી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 3:07 pm, Sat, 17 January 26