
ભરૂચ : ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા ‘રાષ્ટ્રીય રક્ષિત સ્મારક’ તરીકે જાહેર કરાયેલી જામા મસ્જિદ ખાતે સુરક્ષા અને માર્ગદર્શિકામાં સુધારો કરતું એક મહત્વપૂર્ણ જાહેરનામું ભરૂચના જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. નવનાથ ગવ્હાણે દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તાજેતરના ધાર્મિક વિવાદો બાદ આ પગલું ભરાયું હોવાનું અનુમાન છે.
આ સરકારી જાહેરનામા અનુસાર ઐતિહાસિક સ્મારકની મુલાકાતે હિંદુ તેમજ મુસ્લિમ ધર્મના લોકો આવતા હોય છે. ધાર્મિક વૈમનસ્ય ન ફેલાય, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, મુલાકાતીઓની સુરક્ષા થાય અને આ ઐતિહાસિક સ્મારકને કોઈ નુકસાન ન પહોંચે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૩૩(૧)(સી) હેઠળ અગાઉ પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાની માર્ગદર્શિકાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) ના પત્ર અને માર્ગદર્શિકાના આધારે ઘણા ફેરફાર કરાયા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર, આ જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉચ્ચ કક્ષાના પોલીસ કર્મચારી કે અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.