19 વર્ષ પહેલા પોલીસ સ્ટેશનની દીવાલમાં બાકોરું પાડી 25 લાખની ચોરી કરનાર પોલીસકર્મીઓને 13 વર્ષની સજા ફટકારાઇ

ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી. જેઠવાએ તમામ પુરાવાઓ દલીલો ધ્યાને લઇ ચુકાદો આપતા કહ્યું હતું કે જાહેર નોકરનો આ સમાજ વિરોધી ગંભીર ગુનો છે.

19 વર્ષ પહેલા પોલીસ સ્ટેશનની દીવાલમાં બાકોરું પાડી 25 લાખની ચોરી કરનાર પોલીસકર્મીઓને 13 વર્ષની સજા  ફટકારાઇ
25 lakh rupees was stolen by policemen
| Edited By: | Updated on: Sep 03, 2022 | 7:25 AM

વર્ષ 2003 માં ભરૂચ(Bharuch) શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં “વાડે ચીભડાં ગળ્યા” ની ઉક્તિ સાર્થક થઇ હતી. 19 વર્ષ પહેલાંની શહેરના બી ડિવિઝન પોલીસ મથકના મુદ્દામાલ રૂમમાંથી 3 પોલીસ કર્મીઓએ 25 લાખ ભરેલા થેલાઓની ચોરી કરી હતી જે કેસમાં ભરૂચ ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટે આરોપીને 13 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે. પોલીસકર્મીઓને થયેલી સજાના આ મામલાને એક ઉદાહરણ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. લાખોની રકમ જેમને સાચવવાની જવાબદારી સોંપવામાં આવી હતી તેવા પોલીસકર્મીઓએજ મુદ્દામાલ રૂમમાં બાકોરું પડી ચોર બહારથી આવી ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનો હાઉ ઉભો કર્યો હતો જોકે ઇન્વેસ્ટિગેશન દરમ્યાન બાકોરું ભારથી નહિ પરંતુ રૂમની અંદરથી પડયું હોવાનું અને કોઈપણ વ્યક્તિ બાકોરામાંથી પસાર થયો ન હોવાનું સામે આવતા પોલી ખુલી ગઈ હતી.

હવાલાકાંડના રૂપિયા 25 લાખની ચોરી

વર્ષ 2003 માં 12 જૂન ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી જીલાની એસ.ટી.ડી. પી.સી.ઓ. માંથી હવાલા કાંડના આરોપીઓને રૂપિયા 25 લાખ રોકડા સાથે ઝડપી પાડ્યા હતા. આ મુદ્દામાલ શહેર બી ડિવિઝનના મુદ્દામાલ રૂમમાં સલામત રાખવામાં આવ્યા હતા. રૂમની ચાવી તે સમયે ફરજ બજાવતા ક્રાઈમ હેડ રાઇટર રસિક જાતરભાઈ વસાવા, કોન્સ્ટેબલ રાજેન્દ્ર પરસોતમ પટેલ અને અશ્વિન સુકાભાઈ કટારા પાસે હતી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર રજા ઉપર હતા તે સમયે આ લાખોની રકમ ચોરી કરવા 21 જુલાઈ 2003 ના રોજ ત્રિપુટીએ પ્લાન ઘડી કાઢ્યો હતો.

પોલીસ સ્ટેશનમાં બાકોરું પડી બહારથી ચોરી થઈ હોવાનો હાઉ ઉભો કર્યો

રૂપિયા 25 લાખ ત્રણેય પોલીસ કર્મીઓએ ચોરી પ્લાન મુજબ ચોરી કરી મુદ્દામાલ રૂમની એક દીવાલમાં બાકારું પાડ્યું હતું. આ બાકોરું નાનું અને અંદરથી પડાયું હોવાનું સામે આવતા તપાસ દરમ્યાન પોલીસકર્મીઓની ધરપકડ સાથે મુદ્દામાલ રીકવર કરાયો હતો. પોલીસ સ્ટેશનમાં જ 25 લાખની ચોરીની સનસનીખેજ મામલો સામે આવતા તત્કાલીન રેન્જ આઈ.જી. રાકેશ આસ્થાના ભરૂચ દોડી આવી તે સમયે જિલ્લા પોલીસ વડા અમરસિંહ વસાવાને તલસ્પર્શી તપાસના આદેશ આપ્યા હતા. આ મામલાની તપાસમાં 3 પોલીસકર્મીઓ જ ચોર નીકળતા રોકડ રિકવર કરી તેઓની ધરપકડ કરાઈ હતી.

ગુનામાં સંડોવાયેલા એક પોલીસકર્મી ટ્રાયલ દરમ્યાન મૃત્યુ પામ્યા

આ કેસ ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી.જેઠવાની કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટની ટ્રાયલ દરમિયાન આરોપી પોલીસ કર્મી અશ્વિન કટારા મૃત્યુ પામ્યા હતા. સરકારી વકીલે કોર્ટને કહ્યું હતું કે આ સમાજ સાથે ગંભીર વિશ્વાસઘાત છે. સમાજ ઉપરનો ગંભીર પ્રકારનો ગુનો કડકમાં કડક સજા થવી જોઈએ.

ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી. જેઠવાએ તમામ પુરાવાઓ દલીલો ધ્યાને લઇ ચુકાદો આપતા કહ્યું હતું કે જાહેર નોકરનો આ સમાજ વિરોધી ગંભીર ગુનો છે. જેમાં બન્ને પોલીસ કર્મીઓ રસિક વસાવા અને રાજેન્દ્ર પટેલને સરકારી મુદ્દામાલની ચોરી, ષડયંત્ર, મદદગારી સહિતના ગુનામાં કસૂરવાર ઠેરવી 13 વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે. સાથે જ બન્ને આરોપી પોલીસ કર્મીઓને રૂપિયા 20 હજારનો દંડ પણ ફટકારાયો છે.

Published On - 7:13 am, Sat, 3 September 22