પોતાનો જીવ જોખમમાં મૂકી મુસાફરનો જીવ બચાવવાનો કિસ્સો ભરૂચ રેલવે સ્ટેશન ઉપર સામે આવ્યો છે જ્યાં RPF ના હેડ કોન્સ્ટેબલે મહિલા મુસાફર ટ્રેક ક્રોસ કરી રહી તે દરમ્યાન ટ્રેન આવી જતાતેને સલામત ટ્રેકની બહાર ખસેડી જીવ બચાવ્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
૭ સપ્ટેમ્બરની ઘટનાના આ વિડીયો વાઇરલ થયા છે જેમાં દેખાઈ રહ્યું છે કે એક મહિલા ભરૂચ રેલવે સ્ટેશન ઉપર ટ્રેક ક્રોસ કરી પ્લેટફોર્મ ઉપર ચઢવાનો પ્રયાસ કરી રહી છે. મહિલા તુરંત ટ્રેક ઉપર ચઢી શક્તિ નથી અને આ સમય દરમ્યાન અચાનક ટ્રેક ઉપર ગુડ્સ ટ્રેન આવી પહોંચતા ગભરાઈ ગયેલી મહિલા નિર્ણય લઈ શક્તિ નથી અને પ્લેટફોર્મ ઉપર ચઢવા પ્રયાસ કરતી રહે છે.
આ દરમ્યાન ટ્રેન ખુબ નજીક આવી જાય છે. ઓઇલ ટેન્કરની ગુડ્સ ટ્રેનનો ડ્રાઇવર ઇમરજન્સી બ્રેક લગાવે છે પરંતુ ટ્રેનને થોભાવવા માટે ઘણું અંતર જરૂરી હોય છે. મહિલા મુસાફર પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા એક પળે તેનું ગંભીર અકસ્માતને ભેટવું નિશ્ચિત જણાતું હતું. પ્લેટફોર્મ ઉપર ઉભેલા અન્ય મુસાફરોને ગંભીર સ્થિતિનો અહેસાસ આવી જતા બુમરાણ મચાવી હતી.
લોકોની બૂમો સાંભળી પ્લેટફોર્મ ઉપર ડ્યુટી કરી રહેલા RPF ના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ગોરજીયાએ દેવદૂત બની મહિલા મુસાફર તરફ દોડી ગયા હતા. ધર્મેશે સામેથી ટ્રેન પુરપાટ ઝડપે આવતી હોવા છતાં પોતાનો જીવ જોખમમાં મૂકી મહિલા મુસાફર તરફ ધસી ગયા હતા. ધર્મેશે પ્લેટફોર્મ ઉપર ચઢવાનો પ્રયાસ કરતા મુસાફરને રેલવે ટ્રેકની બહારખેંચી લીધા હતા અને એક પળમાં ટ્રેન નજીકથી પસાર થઇ ગઈ હતી.
ઓઇલ ટેન્કરની ગુડ્સ ટ્રેનના ડ્રાઇવરે ઇમરજન્સી બ્રેક લગાવી હતી પણ ટ્રેન આ સ્થળથી ઘણી આગળ અને દૂરના અંતરે થોભી હતી. મહિલા મુસાફરનો જીવ બચી જતા અન્ય મુસાફરોએ પણ હાશકારો અનુભવ્યો હતો. મુસાફરોએ RPF ના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ગોરજીયાની બહાદુરીને બિરદાવી હતી. આ સમગ્ર ઘટના ભરૂચ રેલવે સ્ટેશનના સીસીટીવીમાં કેદ થઇ છે જે વિડીયો વાઇરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : શું હજુ પેટ્રોલ – ડીઝલની કિંમત નીચે આવશે ? જાણો આજે શું છે ઇંધણના ભાવ
Published On - 8:02 am, Thu, 9 September 21