બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં દર વર્ષે શિયાળામાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવતા હોય છે. જેના કારણે દર વર્ષે અહીં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે. જો કે બીજી તરફ બનાસકાંઠામાં વિદેશી મહેમાન બનેલા આ પક્ષીઓનો શિકાર થતુ હોવાનું સામે આવ્યુ છે. શિકાર કરતી એક ટોળકી અહીં સક્રિય થઇ હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે વિદેશી પક્ષીના શિકારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેના પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં યાયાવર પક્ષીઓનો મોટાપાયે શિકાર થઈ રહ્યો છે. ડેમમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી એક ખાસ ટોળકી સક્રિય બની છે. શિયાળામાં દાંતીવાડા ડેમના કાંઠા વિસ્તારના છીછરા પાણીમાં રાજહંસ સહિતના વિદેશી પક્ષી મોટાપાયે મહેમાન બન્યા છે. આ વિદેશી પક્ષીઓને નિહાળવા દૂર-દૂરથી લોકો મોટી સંખ્યામાં પહોંચે છે. તો બીજી તરફ સુંદર પક્ષીઓના શિકાર અને તેના વેચાણની પ્રવૃત્તિ પણ વધી રહી છે. જેમાં ખાસ કરીને રાજહંસ અને હાડ પક્ષીનો શિકાર થતો હોવાનું સામે આવી રહ્યુ છે.
Video goes viral of illegal hunting of migratory birds in Dantiwada dam, #Banasknatha #Gujarat #TV9News pic.twitter.com/IhESu4UlKy
— Tv9 Gujarati (@tv9gujarati) January 9, 2023
એક વાયરલ થયેલા વીડિયોમાં ડેમમાં હોડી ચલાવતો એક શખ્સ પોતે જ પક્ષીઓના શિકાર કરતો હોવાનું જણાવે છે. શિકારી રોજ ત્રણથી ચાર વિદેશી પક્ષી અને રાજહંસને નિશાન બનાવે છે અને તેનું તાજુ માંસ ડેમમાં ફરવા આવતા લોકોને વહેંચે છે. દાંતીવાડા ડેમમાં ધમધમતી શિકારની પ્રવૃત્તિ અંગે વન વિભાગના કર્મચારીઓ અજાણ છે. વન વિભાગના કર્મચારીઓએ શિકાર અંગે કડક તપાસ કરીને દોષિતોને સજા આપવી જોઈએ. વિદેશી પક્ષીઓના શિકારની પ્રવૃત્તિ પર તાત્કાલિક અંકુશ આવે તે જરૂરી છે.