Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ કચ્છ તેમજ અમદાવાદ (Ahmedabad) સહિતના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના (Kutch) માંડવીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ પડ્યો છે. તો અમદાવાદમાં પણ ગઈકાલથી સતત વરસાદ પડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વાવાઝોડા બાદ મૂશળધાર વરસાદ પડ્યો હતો. છેલ્લા 30 કલાકમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
વાવાઝોડાને કારણે બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ છે, અતિ ભારે વરસાદની આગાહી છે તો કચ્છ, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ છે, ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે.
બિપરજોય વાવાઝોડાએ પહેલા તેની ગતિથી તબાહી વેરી અને હવે જ્યારે વાવાઝોડું આગળ વધી ગયું છે, ત્યારે વરસાદ અને ભારે પવનથી વિવિધ વિસ્તારોને પ્રભાવિત કરી રહ્યું છે. વાવાઝોડા બાદ સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ તેનો અસર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ જનજીવન પ્રભાવિત થયું છે. જેમાં ડીસા, પાલનપુર, અંબાજી, સૂઈગામ, નડાબેટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠામાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે તેમજ હાઈવે પર પાણી ભરાયા છે.
બિપરજોય વાવાઝોડાની અસર ચાલુ છે ત્યારે ગુજરાત પર ફરી આસમાની આફત મંડરાઇ રહી છે. વાવાઝોડાની અસરને પગલે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદ આજે બનાસકાંઠા પંથકને ધમરોળે તેવી શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે.