અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવા મુદ્દે રાજનીતિ શરૂ થઈ છે. કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ અંબાજી ટ્રસ્ટના નિર્ણયને મનસ્વી ગણાવ્યો છે. કાંતિ ખરાડીનો આરોપ છે કે મંદિર ટ્રસ્ટે કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર જ નિર્ણય લીધો છે. તેઓએ માગ કરી છે કે અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ લાખો ભક્તોની આસ્થા સાથે પણ જોડાયેલો છે, જેથી તેને ચાલુ રાખવામાં આવે. ધારાસભ્યએ માગ કરી છે કે કરોડો ભક્તોની આસ્થા અને લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવામાં આવે.
તો કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ નિર્ણય પાછળ અધિકારી રાજ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેઓનો દાવો છે કે મંદિર ટ્રસ્ટમાં એકપણ પ્રજાનો પ્રતિનિધિ નથી અને જે હોદ્દેદારો છે તે તમામ સરકારી અધિકારીઓ છે. ધારાસભ્યનો સીધો આરોપ છે કે અધિકારીઓ મનસ્વી રીતે વર્તી રહ્યા છે અને નિર્ણયો કરી રહ્યા છે.
તો આ તરફ ભાજપ નેતા યજ્ઞેશ દવેએ પણ ટ્વીટ કરીને મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાની માગ કરી છે. એક બ્રાહ્મણ તરીકે યજ્ઞેશ દવેએ કરેલા ટ્વીટમાં ચિક્કીનો પ્રસાદ ન રાખવાની પણ અપીલ કરી છે. આમ હવે ચોમેરથી મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાની માગ પ્રબળ બની છે. ત્યારે પ્રસાદનો લઈને શરૂ થયેલો વિવાદ અને રાજનીતિ ક્યાં જઈને અટકે છે તે જોવું રહ્યું.
મહત્વનું છે કે શક્તિપીઠ અંબાજી મંદિરની ઓળખ સમાન મોહનથાળ પ્રસાદને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બંધ કરવામાં આવ્યો છે. મોહનથાળના પ્રસાદની જગ્યાએ હવે માઈભક્તોને ચીક્કીનો પ્રસાદ મળશે. માના દર્શને આવતા શ્રદ્ધાળુઓ પોતાની સાથે અચૂક મોહનથાળનો પ્રસાદ લઈ જતા હોય છે.
ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ થતા ભક્તોમાં નિરાશા જોવા મળી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બને છે અને તેની સાથે અનેક શ્રમિકો પણ જોડાયેલા છે, ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ થતા શ્રમિકો બેકાર થતા તેમની રોજીરોટી પણ છીનવાઈ છે.
તો બીજી તરફ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા અંગે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનું માનવું છે કે માં અંબાના ભક્તો ગુજરાત નહીં, પરંતુ દેશ-વિદેશમાં પણ ફેલાયેલા છે. માનો પ્રસાદ દર્શને આવતા ભક્તો પોતાની સાથે લઈ જતા હોય છે, જ્યારે કેટલાક ભક્તો ઓનલાઈન પણ પ્રસાદ મગાવતા હોય છે. ત્યારે આ સ્થિતિમાં પ્રસાદ બગડી ન જાય અને લાંબા સમય સુધી તેની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચીક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે.