શક્તિપીઠ અંબાજી ખાતે પ્રવાસનને વેગ મળે તે માટેના ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે ડુંગરાળ વિસ્તારમાં હરિયાળી છવાય તે માટે મિયાવાકી પદ્ધતિથી જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે. આ એક જાપાની પ્લાન્ટેશન પદ્ધતિ છે જેના દ્વારા અંબાજી ખાતે આયુર્વેદિક તેમજ જંગલી વૃક્ષો વાવવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના વન્ય અને પ્રાણી વિભાગ દ્વારા વનીકરણનું કામ કરવામાં આવી રહ્યું છે. આ મિયાવાકી ફોરેસ્ટ પ્લાન્ટેશન ગબ્બર જતા માર્ગ ઉપર પાંચ એકર જમીનમાં થઈ રહ્યું છે. અહીં આયુર્વેદિક અને જંગલી વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને પથરાળ અને ઢોળાવવાળો વિસ્તાર હોવાથી અહીં ફુવારા અને ટપક પદ્ધતિથી વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અધિકારીઓ સાથે આ મિયાવાકી ફોરેસ્ટ પ્લાન્ટેશન વિસ્તારની મુલાકાત કરી હતી અને જાપાની ટેક્નોલોજીથી થઈ રહેલા વનીકરણની સમીક્ષા કરી હતી. ખાસ કરી સૂકાભટ ડુંગરોમાં હરિયાળી દ્વારા સારો વરસાદ લાવવા તેમજ ધરતીને પાણીદાર બનાવવા માટે આ ટેક્નોલોજીથી વનીકરણનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
શંકર ચૌધરી એ જણાવ્યું હતું કે તમામ ઝાડ નજીક નજીક રાખી ધરતી પર ઘાસ પણ પાથરવામાં આવ્યું છે, જેનાથી ભેજ ઉડી ન જાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે. અહીં આવતા પ્રવાસીઓને પણ આ વન દ્વારા શુદ્ધ હવા મળશે.
મિયાવાકી” પધ્ધતિમાં સર્વપ્રથમ જમીનને ચકાસવામાં આવે છે. જો તેમાં માટીના કણ નાના હોય તો તે સખત બની ગયેલી હોય છે, જેમાં પાણી ઉતરી શકતું નથી. તે માટે જમીનમાં થોડોક જૈવિક કચરો, થોડુક પાણી તથા શોષક સામગ્રી જેમકે બગાસી, શેરડી અથવા નારિયળના ભુસાનું મિશ્રણ ઉમેરવામાં આવે છે, જેથી માટી પાણીને પકડી રાખે અને ભેજ જળવાઈ રહે. આ રીતે જમીનને જંગલ માટે તૈયાર કરવામાં આવે છે. છોડને વધવા માટે પાણી, સૂર્યપ્રકાશ અને પોષકતત્વોની જરૂર હોય છે.
શરૂઆતમાં રોપા વાવીને લીલા ઘાસનું પાતળું સ્તર પાથરી દેવામાં આવે છે, જેથી ગરમીમાં ભેજ જળવાઈ રહે અને જો હિમવર્ષા થતી હોય તો બરફ માત્ર લીલા ઘાસના સ્તર પરજ જામે. ભેજને લીધે જમીન નરમ હોવાથી, મૂળ જમીનમાં સરળતા થી તથા ઝડપથી પ્રસરી શકે છે.