એક એવી પોસ્ટ ઓફિસ કે જ્યાં પ્રવેશ કરવા માટે ચૂકવવા પડે છે રુપિયા, 5 રૂપિયાની ટપાલ ટિકિટ માટે 30 રૂપિયાનો થાય છે ખર્ચ !

આમ તો કોઇ પણ પોસ્ટ ઓફિસમાં જવા માટે કોઇ ચાર્જ આપવો પડતો નથી. જો કે ગુજરાતમાં એક એવી પોસ્ટ ઓફિસ (Post Office) છે, જ્યાં પૈસા ખર્ચ્યા વગર તમને પ્રવેશ નહીં મળી શકે. અહીં પાંચ રૂપિયાની ટપાલ લેવા જવા માટે 10 રૂપિયા ચૂકવવા પડે છે.

એક એવી પોસ્ટ ઓફિસ કે જ્યાં પ્રવેશ કરવા માટે ચૂકવવા પડે છે રુપિયા, 5 રૂપિયાની ટપાલ ટિકિટ માટે 30 રૂપિયાનો થાય છે ખર્ચ !
પોસ્ટ ઓફિસમાં એન્ટ્રી માટે ચાર્જ ફરજીયાત !
| Edited By: | Updated on: Dec 29, 2022 | 4:04 PM

અમે તમને આજે એક એવી પોસ્ટ ઓફિસ વિશે જણાવી રહ્યા છીએ કે જ્યાં જવા માટે તમારે ફરજીયાતપણે ચાર્જ ચૂકવવો પડશે. પૈસા ખર્ચ્યા વગર તમે આ પોસ્ટ ઓફિસમાં પ્રવેશ નહીં મેળવી શકો. અહીં પાંચ રૂપિયાની ટપાલ લેવા જવા માટે 10 રૂપિયા ચૂકવવા પડે છે. બનાસકાંઠાના પાલનપુરમાં એક એવી પોસ્ટ ઓફિસ છે, જ્યાં પોસ્ટ ઓફિસમાં કામ અર્થે જવા માટે ચાર્જ ચૂકવવો પડે છે. ખુદ પોસ્ટ ઓફિસના કર્મચારીઓને પણ ફરજ બજાવવા માટે 20 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે.

પોસ્ટ ઓફિસમાં કામ કરનારને પણ લેવી પડે છે ટિકિટ

પાલનપુરમાં રેલવે જંક્શનની બહાર RMSની પોસ્ટ ઓફિસ કાર્યરત છે. વર્ષો સુધી પોસ્ટ ઓફિસમાં ટપાલ અથવા પાર્સલ લેવા તેમજ આવ-જા કરવા અલગ રસ્તો હતો. પરંતુ છેલ્લા 2 વર્ષથી DFCC દ્વારા રેલવે ટ્રેક નંખાયો છે અને રેલવે જંક્શન પર જવા અંડરગ્રાઉન્ડ રસ્તો બનાવાયો છે પણ આ રસ્તાને કારણે પોસ્ટ ઓફિસમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. જો તમારે પોસ્ટ ઓફિસ જવું હોય તો ફરજીયાત પ્લેટફોર્મ પરથી થઈને જ જવું પડે અને તેના માટે તમારે ફરજીયાત પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે છે. એટલે કે જો તમારે પોસ્ટ ઓફિસમાંથી 5 રૂપિયાની પણ ટપાલ ટિકિટ લેવી હોય તો તેના માટે તમારે 10 રૂપિયા ચૂકવવા પડશે.

પોસ્ટ ઓફિસ આવતા અનેક ગ્રાહકો પરેશાન

અલગ રસ્તો ન હોવાને કારણે દરરોજ પોસ્ટ ઓફિસ આવતા અનેક ગ્રાહકો પરેશાન થાય છે. સામાન્ય કામ હોય તો પણ પ્લેટફોર્મ ટિકિટના 10 રૂપિયા અને પાર્કિંગ ચાર્જના 20 રૂપિયા એમ 30 રૂપિયા ચૂકવવા પડે છે. સૌથી મહત્વની વાત એ છે કે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા સ્ટાફને પણ ચાર્જ ચૂકવવો પડે છે. અહીં પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોવાથી પોસ્ટ ઓફિસનો સ્ટાફ પણ રોજના 20 રૂપિયા ચૂકવે છે.

સિનિયર સિટીઝન્સ પણ થાય છે પરેશાન

રેલવે પોસ્ટ ઓફિસમાં ટપાલ પણ આવતી હોય છે અને લોકોના પાર્સલ પણ આવતા હોય છે. પરંતુ આ ટપાલ લેવા માટે અને પાર્સલ છોડાવવા માટે પ્લેટફોર્મ ટિકિટ ખરીદીને જવું પડે છે. પોસ્ટ ઓફિસમાં જવા માટે અંડરગ્રાઉન્ડ નાળું હોવાથી સિનિયર સિટીઝન્સ પણ પરેશાન થાય છે. પોસ્ટ ઓફિસની ટેકનિકલ બાબતો હોય કે કમ્પ્યુટર, સીસીટીવી અથવા ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ હોય તે રિપેર માટે આવનારા ટેકનિશિયને પણ ચાર્જ ચૂકવીને આવવું પડે છે. પ્લેટફોર્મની ટિકિટ લીધા સિવાય ટેકનિશિયનને પણ પોસ્ટ ઓફિસમાં એન્ટ્રી મળતી નથી. ત્યારે પોસ્ટ ઓફિસમાં જવા માટે અલગ રસ્તો બનાવવાની માગ લોકોએ કરી છે.