
બનાસકાંઠા જિલ્લામાં ભારત માલા હાઈવે પર ચાલતા વાહનોમાંથી માલસામાનની ચોરી કરતી ગેરીયા ગેંગને LCB અને SOGની સંયુક્ત ટીમે ઝડપી પાડી છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ગેંગ સાંતલપુરથી રાજસ્થાન બોર્ડર સુધીના ભારત માલા હાઈવે પર પસાર થતા વાહનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતી હતી. ગેંગના ત્રાસથી વાહનચાલકો અને વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સુઈગામ અને વાવ પોલીસ મથકમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાઓની તપાસ દરમિયાન LCB અને SOGને મહત્વની સફળતા મળી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 700 ગ્રામના સોયાબીન તેલની 451 બોટલો, ચોખાના કટ્ટા, પિકઅપ ડાલુ સહિત કુલ રૂ. 4.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સામે અગાઉ પણ સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર સહિતના વિવિધ જિલ્લાઓમાં ચોરી અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વધુ તપાસ કરી રહી છે.
પોલીસે ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર બે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરી છે.