Banaskantha : વરસાદ ખેંચાતા ખેડૂતોની દશા કફોડી, સિંચાઇના પાણી માટે વિરોધની ચીમકી

|

Aug 17, 2021 | 7:30 PM

ખેડૂતોએ કેનાલમાં પાણી ન મળે ત્યાં સુધી પ્રતિક ધરણાં કરશે. જો કેનાલમાં પાણી નહીં મળે તો ગાંધીનગર સચિવાલયમાં વિરોધની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

Banaskantha : વરસાદ ખેંચાતા ખેડૂતોની દશા કફોડી, સિંચાઇના પાણી માટે વિરોધની ચીમકી
Banaskantha Farmers threaten to protest at Gandhinagar Sachivalay over irrigation water

Follow us on

બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની દશા કફોડી બની છે. દિયોદર, કાંકરેજ, ભાભર, લાખણી અને થરાદના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આ વિસ્તારમાં પાણીના તળ ઉંડા જતા સિંચાઈના પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યાં છે. જેમાં 500 ખેડૂતોએ સુજલામ-સુફલામ કેનાલના મુખ્ય ચાંગા પમ્પિંગ સ્ટેશન પર પાણીની માંગ  સાથે અડિંગો જમાવ્યો છે.

ખેડૂતોએ કેનાલમાં પાણી ન મળે ત્યાં સુધી પ્રતિક ધરણાં કરશે. જો કેનાલમાં પાણી નહીં મળે તો ગાંધીનગર સચિવાલયમાં વિરોધની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે, આ દરમ્યાન રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની પરિસ્થિતીમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ આપ્યો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના 56 જળાશયોમાં તા.30 સપ્ટેમ્બર-2021 સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માંગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે તેમ જળસંપત્તિ વિભાગના સચિવે જણાવ્યું છે.

જળસંપત્તિ વિભાગના સચિવે જણાવ્યું છે કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને પરિણામે જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માંગણી આવેલી છે તે વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે 39 જળાશયોમાંથી કુલ સાડા નવ લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ 141 પૈકી 36 ડેમોમાં પીવાનું પાણી બે માસ માટે આરક્ષિત કરેલું છે. સૌરાષ્ટ્રના 79 ડેમોમાંથી 1,48,200 એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી હાલમાં 23 ડેમમાંથી પાણી આપવામાં આવી રહેલ છે.

જેમાં જામનગર જિલ્લાના ઉંડ-1, સસોઇ, પન્ના, આજી-4, ફૂલઝર-1, ફૂલઝર-2, ફૂલઝર કોટડા, વોડીસંગ, વીજરખી, ઉંડ-3, સપડા, ઉમીયાસાગર અને રૂપારેલ એમ કુલ 13 ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કરેલ છે.

Published On - 7:30 pm, Tue, 17 August 21

Next Video