બનાસકાંઠામાં બટાકા બાદ એરંડામાં પણ ભાવમાં પણ ઘટાડો થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં એરંડાનું મબલખ ઉત્પાદન થયુ છે. પરંતુ તેની સામે ભાવ મળતા નથી. અત્યાર સુધી એરંડાના ભાવ સ્થિર હતા પણ હવે ખેડૂતોને વેચવાનો વારો આવ્યો ત્યારે મણદીઠ 200 રૂપિયા જેટલો ભાવ તૂટી ગયો છે. પાલનપુર માર્કેટ યાર્ડમાં 1200થી 1300 રૂપિયા એરંડાનો ભાવ ચાલી રહ્યો છે. બીજી બાજુ ચાલુ વર્ષે પ્રતિકુળ હવામાનને કારણે એરંડાનો પાક પણ ઓછો આવ્યો છે. પાકમાં અંદાજીત 50 ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો : Banaskantha: કાંકરેજના છેવાડે આવેલા કસલપુરા ગામમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ પાયાની સુવિધાનો અભાવ
વેપારીઓનું માનવુ છે કે આ વર્ષે એરંડાની ગુણવત્તા ખરાબ છે. કમોસમી વરસાદ અને હવામાનની અનિયમીતતાને કારણે એરંડાના પાકને ઘણું નુકસાન થયુ છે. આ સ્થિતિમાં તેઓ ખેડૂતોને વધુ ભાવ આપી શકે તેવી સ્થિતિમાં નથી.
બનાસકાંઠાના ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કર્યું હતું. પરંતુ ભાવ ન મળવાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. મોંઘા ભાવના બિયારણ અને ત્રણ મહિનાના ઉજાગરા કરીને ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું.ગત વર્ષે મણ દીઠ બટાકાના 250 રૂપિયા ભાવ હતા. જે આ વર્ષે 100 થઈ ગયા છે. જેથી ખેડૂતોને મજૂરી ખર્ચ પણ નીકળી શકતો નથી. બટાકાના ભાવ સાવ તળિયે બેસી છે. જેથી ખેડૂતોને આર્થિક સંકડામણ પણ આવી શકે છે.
સાબરકાંઠાના અરવલ્લીમાં બટાકાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. જો કે છેલ્લા એકાદ સપ્તાહથી બટાકાનો ભાવ નીચે જતા ખેડૂતોએ બટાકાની સિઝનમાં સૌથી મોટો ફટકો સહન કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે માવઠા અને ઝાકળ વધુ પ્રમાણમાં હોવાથી ખેતીમાં જીવાતની સમસ્યા સર્જાઈ હતી અને હવે બટાકાના ભાવ નીચે જતા ખેડૂતોએ નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.
તો આ તરફ ભાવનગર જિલ્લામાં ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે.આ વખતે ભાવનગર જિલ્લામાં ડુંગળીનુ ઉત્પાદન મબલખ થયુ છે,પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતો પાયમાલ થયા છે. ડુંગળીના એક ગુણીની માર્કટ યાર્ડમાં કિંમત માત્ર 35 રૂપિયા આસપાસ છે, એટલે કે એક મણ ડુંગળીના ખેડૂતોને માત્ર 50-60 રૂપિયા જ મળી રહ્યા છે. જેને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યા છે. ખેડૂતોનુ કહેવુ છે કે આટલી કિંમતમાં ડુંગળીના ઉત્યાદનનો ખર્ચ પણ ઉભો થઈ રહ્યો નથી, એટલે કે હાલ ગરીબોની કસ્તુરી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે.