અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાનો વિવાદ છેલ્લા સાત દિવસથી ચાલી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં પણ મોહનથાળનો પ્રસાદ શરૂ ન થતાં દાતાઓ દ્વારા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરવામાં આવી છે. હવે અંબાજી મંદિરમાં રોજ 200 કિલો મોહનથાળનો પ્રસાદ અપાશે. એક માસ સુધી 200 કિલોના પ્રસાદના દાતા પણ પ્રસાદ આપવા માટે તૈયાર થયા છે અને હજુ પણ દાતાઓનું રજીસ્ટ્રેશન ચાલુ છે. આવનારા સમયમાં તંત્ર મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં કરે તો દાતાઓ દ્વારા જ નિયમિત મોહનથાળનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બ્રહ્મ સમાજના 21 આગેવાનો મોહનથાળનો પ્રસાદ લઇને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. બ્રાહ્મણોએ અંબે-અંબેની ધૂન ગાઇને કલેક્ટર કચેરીમાં પ્રસાદ બંધ થવા મામલે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે બ્રાહ્મણોએ કલેક્ટરને પ્રસાદ આપી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની રજૂઆત કરી છે.
પવિત્ર યાત્રધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો મુદ્દો દિવસેને દિવસે વધુ તૂલ પકડી રહ્યો છે. ગઇકાલે 6 દિવસ બાદ ધૂળેટી પર્વે અંબાજી માતાને 200 કિલો મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ મોહનથાળના પ્રસાદનું શ્રદ્ધાળુઓને નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ અભિયાનમાં આગામી એક માસ સુધી મોહનથાળના પ્રસાદના દાતા મળ્યાં છે અને દાતાઓના સહકારથી મોહનથાળના પ્રસાદનું વિતરણ આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે. હિંદુ હિતરક્ષક સમિતિએ મંદિર ટ્રસ્ટ વતી મોહનથાળના પ્રસાદનું વિતરણ ન થાય ત્યાં સુધી આવુ અનોખું આંદોલનન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ આગામી સમયમાં ચિકીના બદલે મંદિર ટ્રસ્ટ ભક્તોને નિશુલ્ક મોહનથાળ આપે તેવી માગણી કરવામાં આવી.
મળતી માહિતી મુજબ અંબાજીમા મોહનથાળ પ્રસાદ બંધ કરવા મામલે હિન્દુ સંગઠન વિધાનસભામાં ધારાસભ્યોને પ્રસાદ આપીને રજૂઆત કરશે. મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોને મોહનથાળનો પ્રસાદ અપાશે. મુખ્યમંત્રી પાસે સમય માગી અને ત્યારબાદ પ્રસાદ આપવાની વિચારણા કરવામાં આવી રહી છે.