પાલનપુર નગરપાલિકામાં (palanpur Nagar Palika) આજે સાધારણ સભા મળી હતી. સાધારણ સભામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના તમામ સદસ્યો હાજર રહ્યા હતા. જ્યાં શહેરના નવા કામો તેમજ આગામી સમયમાં નગરપાલિકાના નવા આયોજનો મામલે ચર્ચા થઈ હતી. સાધારણ સભા શરૂ થાય તે પહેલાં જ પાલનપુર નગરપાલિકામાં વિપક્ષના સભ્યોએ હંગામો મચાવ્યો હતો.
પાલનપુર નગરને અત્તરોની નગરી કહેવામાં આવે છે. ઇતિહાસમાં પાલનપુર નગર ફુલો માટે પ્રખ્યાત હતું. જેથી તેને અત્તરની નગરી કહેવામાં આવે છે. અત્યારના સમયમાં પાલનપુરની હાલત બદતર છે. ઠેર-ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. જેથી વરસાદમાં અનેક વિસ્તારોમાં દુર્ગંધથી રહેવું મુશ્કેલ બન્યું છે. જે મામલે આજે વિપક્ષે સત્તાધારી પક્ષનો અનોખી રીતે વિરોધ કર્યો હતો.
પાલનપુર વિપક્ષના નેતા અંકિતા ઠાકોરે સભાની શરૂઆતમાં જ પાલનપુરની ગંદકીનું મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે અનોખી રીતે વિરોધ કરતાં ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખ બંનેને એક-એક અત્તર તેમજ સ્પ્રે ભેટમાં આપ્યા હતા. તેમને આક્ષેપ કર્યો હતો કે અત્તર નગરી તરીકે ઓળખ ધરાવતું પાલનપુર નગર હવે ગંદકીથી ખદબદી રહ્યું છે. જે શહેરમાં પ્રવેશતા અત્તરની સુગંધ આવતી હતી. ત્યાં હવે ગંદકીના કારણે ઊભું રહેવું મુશ્કેલ બન્યું છે. જેના પ્રતિકરૂપે આજે ફરી શહેર અત્તરની નગરી જેમ સુગંધિત અને સુવાસિત બને તે માટે ભાજપના શાસકો અને અધિકારીઓને જગાવડા અત્તર અને સ્પ્રે ની બોટલ ભેટમાં આપી છે.
જ્યારે આ અનોખા વિરોધ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર સતીષ પટેલનું કહેવું છે કે મને અત્તરની બોટલ આપી જ નથી. હું તો સામાન્ય સભામાં બેઠો હતો અને નેતા વિપક્ષ ત્યાં આવી મૂકી ગયા. જ્યારે વિપક્ષના વિરોધ મામલે પાલનપુર નગરપાલિકા પ્રમુખ હેતલ પટેલે કહ્યું હતું કે માત્ર વિરોધ કરવાથી વિકાસ થતો નથી. ભાજપના શાસનમાં શહેરનો વિકાસ થઈ રહ્યો છે.
આ પણ વાંચો :Banaskantha : પ્રથમ તબક્કામાં રસીકરણમાં અગ્ર રહેલા જીલ્લામાં 13 લાખ લોકો હજુ પણ કોરોના રસીથી વંચિત
આ પણ વાંચો : Banaskantha : અમીરગઢના આંતરિયાળ ગામોમાં પીવાના પાણીની અછત, મહિલાઓએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી