ઉત્તર ગુજરાતમાં રવિવારે ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો હતો. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં બપોર, સાંજ અને રાત્રે વરસાદ વરસ્યો હતો. કાર્તક મહિના દરમિયાન વરસાદી માહોલે જાણે કે અષાઢ મહિના જેવો માહોલ સર્જી દીધો હતો. હજુ સતત બીજા દિવસે અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદની સંભાવનાઓ છે. સોમવારે સવારથી જ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને મોડાસા, મેઘરજ અને ભિલોડા વિસ્તારમાં વરસાદ વધારે નોંધાયો હતો. જિલ્લામાં રવિવારે સવારથી જ વાદળો ઘનઘોર છવાયા હતા અને ગાજવીજ શરુ થઈ હતી. બાદમાં વરસાદી માહોલ બપોરે 12 વાગ્યા બાદ શરુ થયો હતો. રાત્રીને 10 કલાક સુધી અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદમાં અનેક વિસ્તારોમાં ચોમાસાની જેમ રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા.
રવિવારે સવારથી બદલાયેલા માહોલ બાદ બપોરે 12 વાગ્યાથી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મોડાસા વિસ્તારમાં વરસ્યો હતો. મોડાસા અને આસપાસના વિસ્તારમાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં બપોરે દોઢેક ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે સાંજે પણ એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મેઘરજમાં અંતિમ 24 કલાક દરમિયાન દોઢ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. ભિલોડામાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. ધનસુરામાં પણ દોઢેક ઈંચ આસપાસ વરસાદ વરસ્યો હતો. માલપુર અને બાયડમાં અડધો અડધો ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
હજુ સોમવારે પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. અરવલ્લી જિલ્લામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. સાબરકાંઠા જિલ્લામાં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠામાં સોમવારે પણ વરસાદ વરસે એવી આગાહી છે. આમ સોમવારે પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે એવી શક્યતાઓ છે.
અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:32 am, Mon, 27 November 23