અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદને લઈ પરેશાનીઓ છવાઈ ગઈ છે. જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને પાક બગડવાની ભીતી સર્જાઈ છે. રવિવારે અરવલ્લી જિલ્લાના મોડાસા અને બાયડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાના સમાચાર સામે આવી રહ્યા છે. અગાઉ શુક્રવાર અને શનિવારે પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાના સમાચાર હતા. કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો પણ કમોસમી વરસાદ પવન સાથે વરસવાને લઈ ખોરવાઈ ગયો હતો.
છેલ્લા બેથી અઢી માસમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોને માઠી દશા બેઠી છે. અગાઉ કમોસમી વરસાદ કરા સાથે વરસતા અનેક વિસ્તારોમાં કરાનો બરફ જ બરફ બીજા દિવસ સુધી જોવા મળ્યો હતો. હાલમાં ઉનાળાના દિવસો દરમિયાન છેલ્લા ચાર પાંચ દિવસથી વાતાવરણ પલટાયેલુ જ રહેતા ચિંતા વ્યાપી છે. આ પહેલા પણ ખેડૂતો ખેતીમાં મોટો ફટકો વેઠી ચુક્યા છે. ખેતીમાં બાગાયતી પાક સહિતમાં મોટા પ્રમાણમાં નુક્શાન મોડાસા અને માલપુર તાલુકાના ખેડુતોએ વેઠ્યુ હતુ. જેનો સર્વે જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો.
સાંજના અરસા દરમિયાન રવિવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. મોડાસાના માથાસુલીયા, સાકરીયા, અણદાપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસાદ વરસ્યો હતો. પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસવાને લઈ અનેક વિસ્તારમાં સાંજના સમયે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
બાયડ તાલુકામાં પણ આ પહેલા સાંજના અરસા દરમિયાન વરસાદ વરસ્યો હતો. બાયડ તાલુકાના તેનપુર, ભૂડાસણ, આંબલીયારા અને જીતપુર સહિતના વિસ્તારના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે બાજરી, મગ સહિતના પાકના ઉત્પાદનને લઈ ખેડૂતોમાં ચિંતા છવાઈ જવા પામી હતી. અરવલ્લી જિલ્લામાં મોડાસા અને બાયડ એમ બંને તાલુકાઓમાં રવિવારના સાંજના અરસા દરમિયાન વરસાદ વરસ્યો હતો. માહોલને જોતા ધનસુરા અને માલપુર સહિતના ખેડૂતોમાં પણ ચિંતા વાતાવરણના પલટાને લઈ છવાયેલી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:17 pm, Sun, 30 April 23