અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના બાયડ અને ધનસુરા વિસ્તારમાં ધોધમાર વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન વરસ્યો હતો. અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જે મુજબ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ધનસુરા અને બાયડ પંથકમાં વધારે વરસાદ ખાબક્યો હતો. બાયડ વિસ્તારમાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધનસુરા તાલુકામાં સવા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આ અગાઉ છૂટો છવાયો વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો હતો. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ વાદળછાયુ જોવા મળી રહ્યુ હતુ. પરંતુ વરસાદના હળવા ઝાપટા વરસી રહ્યા હતા. પરંતુ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ધોધમાર વરસાદ કેટલાક વિસ્તારોમાં વરસવાને લઈ સ્થાનિક ખેડૂતોને રાહત સર્જાઈ હતી.
ગુરુવારે દિવસ અને રાત બાયડ તેમજ ધનસુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને બાયડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બાયડમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પાંચ ઈચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બાયડમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. ધોધમાર વરસાદને લઈ વિસ્તારમાં એક તરફ રાહત સર્જાઈ હતી. તો બીજી તરફ સ્થાનિકો ભારે વરસાદથી મુશ્કેલીમાં મુકાયા હતા.
ધનસુરા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસતા સવા ચારેક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ધનસુરામાંથી પસાર થતા કપડવંજ મોડાસા સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. આવા જ દ્રશ્યો ધનસુરા તલોદ સ્ટેટ હાઈવે પર જોવા મળ્યા હતા. ધનસુરામાં ધોધમાર વરસાદને લઈ ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જિલ્લામાં માાલપુરમાં બે ઈંચ અને મેઘરજમાં દોઢેક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મુખ્ય મથક મોડાસામાં એક ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. સૌથી ઓછો વરસાદ જિલ્લામાં ભિલોડામાં નોંધાયો હતો. જ્યાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.
અરવલ્લીમાં નોંધાયેલ વરસાદ (In MM) | ||
ક્રમ | તાલુકો | નોંધાયેલ વરસાદ |
01 | ધનસુરા | 108 |
02 | બાયડ | 123 |
03 | માલપુર | 54 |
04 | મેઘરજ | 34 |
05 | મોડાસા | 29 |
06 | ભિલોડા | 18 |
Published On - 7:52 am, Fri, 30 June 23