ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ અધિકારી પીસી બરંડાની પત્નિને બંધક બનાવીને લૂંટ કરવાના મામલે શામળાજી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે. શામળાજી પોલીસે બે અજાણ્યા બુકાનીધારી શખ્શો સામે લુંટનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. શામળાજી પોલીસ મથકે ધારાસભ્યના પત્નિ ચંદ્રિકા બરંડાએ ફરિયાદ નોંધાવતા 9.40 લાખની લુંટ થઈ હોવાનુ જણાવ્યુ હતુ.
મોડી રાત્રીના પોણા ત્રણેક વાગ્યાના અરસા દરમિયાન ઘરે એકલા સુઈ રહેલા ધારાસભ્યના પત્નિને ઘરમાં જ બંધક બનાવીને લુંટ આચરવામાં આવી હતી. ઘટના બાદ એસપી સહિતના પોલીસ કાફલો વાંકા ટીંબા ગામે પહોંચ્યો હતો. જ્યાં પોલીસની ટીમો બનાવીને તપાસ શરુ કરવામાં આવી હતી. બે શંકાસ્પદોની ઓળખ કરી લેવામાં આવી હતી. જે બંને પૈકી એકને ઝડપી લઈને પોલીસે પૂછપરછ હાથ ધરી હતી, જ્યારે બીજાને ઝડપવા માટે ટીમને રવાના કરવામાં આવી હતી.
રાત્રીના દરમિયાન ત્રાટકેલા લૂંટારુઓએ ધારાસભ્યના ઘરમાંથી 9 લાખ 40 હજાર રુપિયાની મત્તાની લૂંટ કરી હતી. શામળાજી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ બેડરુમના દરવાજાને મારેલ તાળુ તોડીને બેડરુમમાંથી લાકડાના ફર્નિચરના કબાટમાં રાખેલ સોનાના દાગીનાની લુંટ આચરી હતી. જેમાં સોનાની બુટ્ટીઓ તેમજ સોનાની ચેઈન અને સોનાનો સેટ સહિત 15 તોલા સોનાના ઘરેણાંની ચોરી આચરી હતી.
આમ કુલ 9 લાખ રુપિયાના દાગીનાની લુંટ આચરવા ઉપરાંત 40 હજાર રુપિયા રોકડ પર્સમાં મુકેલ હતી તે પણ લુંટારુઓ ઉઠાવી ગયા હતા. આમ કુલ મળીને 9.40 લાખની લુંટ આચરી હતી.
લુંટારુઓએ ઘરમાં ઘૂસીને ધારાસભ્યના પત્નિના હાથ પગ બાંધી દીધા હતા. તેઓ પડખુ ફરવા જતા તેઓને અહેસાસ થતા બુમાબુમ કરવા જતા મોંઢા પર ડૂચો દબાવી દીધો હતો. તેમજ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને મોંઢુ દબાવવા માટે જપાજપી કરી હતી. જેને લઈ જડબામાં એક દાંત ચંદ્રિકા બરંડાનો તૂટી ગયો હતો.
એક બુકાનીધારી આરોપી તેમની પાસે ઉભો રહ્યો હતો અને બીજાએ ઘરને ફંફોળીને ચોરી આચરી હતી. ઘરમાંથી કિંમતી મત્તા હાથ લાગ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
Published On - 6:55 pm, Fri, 15 September 23