અરવલ્લી જિલ્લામાં અંતિમ 48 કલાક દરમિયાન ધોધમાર વરસાદ મોટાભાગના વિસ્તારોમાં વરસ્યો છે. ખાસ કરીને બાયડ અને ધનસુરા વિસ્તારમાં તેમજ માલપુર પંથકના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ સ્થાનિક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. બાયડમાં નિચાણ વાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને લઈ 15 લોકોને રેસક્યુ કરીને બહાર નિકાળવામાં આવ્યા હતા.
બાયડ શહેરમાં આવેલ શ્રીનાથજી સોસાયટીમાં પાણી ભરાઈ જવાને લઈ વિસ્તારમાં 15 લોકો બાળકો સાથે પોતાના ઘરમાં જ ફસાઈ રહ્યા હતા. આ અંગે મોડાસા નગર પાલીકાના ફાયર ફાયટરની ટીમને જાણ કરાતા તેઓને મોડી રાત્રી દરમિયાન રેસક્યુ કરીને બહાર નિકાળવામાં આવ્યા હતા.
રવિવારે બાયડ અને ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રવિવારે સવારથી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાને લઈ નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. બાયડમાં અંતિમ ચોવીસ કલાક દરમિયાન 208 મીમી વરસાદ વરસ્યો હતો. આમ આઠ ઈંચ કરતા વધારે વરસાદ ચોવીસ કલાક દરમિયાન નોધાયો હતો. આ ઉપરાંત ધનસુરામાં પણ 202 મીમી વરસાદ નોંધાયો હતો. આમ ધનસુરામાં પણ આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને લઈ મોડાસા કપડવંજ સ્ટેટ હાઈવે પર પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા.
મેઘરજ વિસ્તારમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે મોડાસા વિસ્તારમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. ભિલોડામાં ત્રણ ઈંચ અને માલપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉભરાણ અને ગાબટ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ સ્થાનિક વિસ્તારના ડીપ બ્રિજ અને કોઝવેના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
ભારે વરસાદની આગાહીને પગલે સોમવારે અરવલ્લી જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને બંધ રાખવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ એક પરિપત્ર મોડી રાત્રે જાહેર કર્યો હતો. ભારે વરસાદની આગાહીને પગલે બાળકોની સલામતીને ધ્યાને રાખીને શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના તમામ શાળાઓને આપવામાં આવી હતી. જોકે શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફે શાળામાં ફરજ પર હાજર રહેવાનુ રહેશે.
Published On - 7:45 am, Mon, 18 September 23