બાયડ પોલીસે એક કારમાંથી દેશી બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે. અચરજભરી વાત એ છે કે, પોલીસે જે કારને રોકીને તલાશી લઈ દારુ ઝડપ્યો એ કાર પર ક્ષત્રીય કરણી સેના પરિવારનુ બોર્ડ લગાવેલુ હતુ. પોલીસે બે આરોપીઓને પણ ઝડપી લઈને જેલના હવાલે કર્યા છે. દારુની હેરાફેરી ક્ષત્રિય કરણી સેનાના બોર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
પોલીસે હવે કરણી સેનાનુ બોર્ડ કેમ લગાવ્યુ હતુ એ વિગતો મેળવવા સહિતની તપાસ શરુ કરી દીધી છે. પોલીસે દારુ ગાડીમાં ભરી આપનાર અને દારુના રિસીવરનુ પણ નામ ગુનામાં દર્શાવીને લેનાર અને વેચનારને પણ ઝડપી લેવા માટે કાર્યવાહી શરુ કરી છે.
પોલીસે બાયડ શહેરમાં જ પોલીસ સ્ટેશન નજીક વિસ્તારમાંથી જ આ કારને ઝડપી લીધી હતી. બાયડ પોલીસ સ્ટેશન આગળથી પસાર થતા કપડવંજ સ્ટેટ હાઈવે પર તાલુકા સેવા સદન આગળ રોકીને કારની તલાશી લીધી હતી. કાર ઉપર ક્ષત્રિય કરણી સેના લખેલુ હતુ. જેના તાલુકા ઉપાધ્યક્ષ ચિત્રાવેલા લાલ રંગના બોર્ડ વાળી ગાડીને રોકીને તલાશી લેતા કારમાંથી દારુનો જથ્થો હાથ લાગ્યો હતો.
લાલ રંગના મોટુ બોર્ડ ધરાવતી કારને લઈ પોલીસે શંકાના આધારે રોકીને તેમમાં તલાસી લેતા અલગ અલગ બ્રાન્ડના 10 કાર્ટૂનમાં પેક 480 નંગ દારુની બોટલ મળી આવી હતી. નાની સાઈઝની બોટલોને પોલીસે કબ્જે લઈને કારને જપ્ત કરી હતી.
મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વક્તાપુર ગામના મનહરસિંહ ઉર્ફે ભલો સુરજમલસિંહ સોલંકી અને દિલીપસિંહ અમૃતસિંહ સોલંકી રહે ધોમ. તા. બાયડની ધરપકડ કરી હતી. આ સાથે જ જયદીપસિંહ ભેમસિંહ ઠાકોર-ચૌહાણ રહે. ચોરસા તા. વીરપુર જિ મહિસાગર તથા એક મોબાઈલ નંબરના ધારક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સરહદી જિલ્લો હોવાને લઈ આ વિસ્તારમાંથી દારુની હેરાફેરી મોટા પ્રમાણમાં થતી હોય છે. હાલમાંજ શામળાજી પોલીસે પણ દારુનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. આમ છેલ્લા એક સપ્તાહથી દારુનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપવામાં અરવલ્લી પોલીસ સફળ રહી છે.
Published On - 10:19 am, Sat, 2 September 23