અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ગામની એક સગીર ચાર વર્ષ અગાઉ ગૂમ થઈ ગઈ હતી. જેની શોધખોળ બાદ પણ સગીરા મળી આવી નહોતી. ઘટનાને પગલે ચાર વર્ષથી પોલીસે પણ તપાસ જારી રાખી હતી. આ દરમિયાન એલસીબી અને એસઓજીની ટીમને ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
એલસીબી અને એસઓજીની ટીમને તપાસ દરમિયાન કેટલીક કડી જૂના કેસમાં હાથ લાગી હતી. આ કડીને લઈ શોધખોળ શરુ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે ગૂમ સગીરાની હત્યા કરાઈ હોવાનો અને તેની લાશને મહિસાગર જિલ્લામાં ભાદર નદીના ધરામાં ફેંકી દીધી હોવાનો ભેદ ઉકેલી 7 આરોપીઓની ધરપકડ કરી છે.
વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં એક ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ રાત્રે આખ્યાનનો ધાર્મિક કાર્યક્રમ હતો અને જેમાં ગયેલ સગીરા ઘરે પરત ફરી નહોતી. જેની શોધખોળ હાથ ધર્યા બાદ એક સપ્તાહ પાદ પોસ્કો એક્ટ હેઠળ રાકેશ ભીખાભાઈ કટારા લગ્નની લાલચે સગીરાને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ પોલીસે તપાસ શરુ કરી હતી. પરંતુ સગીરાની ભાળ મળી રહી નહોતી.
આ દરમિયાન અરવલ્લી એસપી શેફાલી બરવાલે ગૂમ સગીરાને લઈ શોધખોળની કાર્યવાહીને લઈ એસઓજી અને એલસીબીને તપાસમાં જોડ્યા હતા. ચાર વર્ષે સગીરાની તપાસ વધુ એકવાર શરુ કરાઈ હતી. જેમાં સગીરાની હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે હત્યા અને લાશને ફેંકીને પૂરાવાનો નાશ કરનારા 7 આરોપીઓની ધરપકડ કરી છે.
15 ડિસેમ્બર 2019માં સગીરા ભેમાપુર ગામમાં જ મોહન ગલાભાઈ કટારાના ઘરે આખ્યાનમાં ગઈ હતી. આખ્યાન દરમિયાન સગીરા અને તેની બહેનપણી બહાર ગયા હતા. જેમની સાથે રાકેશ લાલા રાઠોડ અને અમૃત હજૂર કટારા પણ ઘરની પાછળ આખ્યાનમાંથી બહાર ગયા હતા. આ વખતે આરોપી મોહન કટારા અને ભરત કટારાએ અંધારામાં તેમની પાછળ દોડીને સગીરાના માથામાં કોદાળી મારી દીધી હતી.
ભરત કટારાએ પણ હાથમાંથી લાકડી સગીરાને મારી હતી. આમ સગીરા મોતને ભેટી હતી. સગીરાના મોતને લઈ અન્ય સગાઓેને થતા તે દોડી આવ્યા હતા. પરંતુ વાતને આટલેથી જ દબાવી દેવા માટે લાશ ઘર નજીકના કૂવામાં ફેંકી દીધી હતી. બે દિવસ બાદ લાશને બહાર નિકાળી, મહિસાગર જિલ્લાના વરસડા ગામની સીમમાં ભાદર નદીના ધરામાં ફેંકી દીધી હતી. ટ્રેક્ટરમાં ઘાસની નીચે સંતાડીને લાશને ઘંટીના પડથી બાંધીને લાશ પાણીમાં ફેંકી દીધી હતી.
Published On - 11:36 pm, Mon, 6 November 23