અરવલ્લી (Aravalli) જિલ્લાને આમ તો વિકાસની દૃષ્ટીએ પછાત જિલ્લા તરીકે ઓળખવામાં આવી રહ્યો છે, જેને લઇને જિલ્લાના વિકાસમાં ગતી લાવવા માટે અનેક વાર સ્થાનિક કક્ષાએથી રજૂઆતો થતી રહે છે. આ દરમિયાન જિલ્લા મંડળ (District Planning Committee) ની બેઠક યોજાતા 611 જેટલા વિકાસના કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જિલ્લા પ્રભારી મંત્રી કુબેરભાઇ ડિંડોરે (Kuberbhai Dindore) ની ઉપસ્થિતીમાં યોજાયેલ બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોને લઇને ચર્ચા કરાવમાં આવી હતી અને જેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આમ આવનારા દિવસોમાં ગ્રામિણ કક્ષાએ પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ સહિતના કાર્યોનો સીધો લાભ મળશે.
સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ સહિતની ઉપસ્થિતીમાં યોજાયેલી બેઠકમાં વર્ષ 2022-23 વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ અરવલ્લી જિલ્લાના છ તાલુકાનું આયોજન સર્વાનુમતે મંજૂર કરી જિલ્લામાં 616 કામો માટે રૂ. 897 લાખની ખર્ચ કરવામાં આવશે. જેનાથી જિલ્લામાં લોકોને વિકાસનો સીધો લાભમ મળશે. મોડાસા અને બાયડ નગર પાલિકા માટે 50 લાખ રુપિયાના કાર્યોને મંજૂર કરવામાં આવ્યા હતા. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 30 લાખ રુપિયાના કાર્યોને પણ મંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
જિલ્લા નિયામક મંડળની બેઠક દરમિયાન ઉપસ્થિત પ્રભારી મંત્રી કુબેરભાઇ ડિંડોરે લોકોને પ્રાથમિક અને માળખાગત સુવિધાઓ મળી રહે તે અંગેની વાત કહી હતી. તેઓએ કહ્યુ હતુ કે, “રાજ્યની પ્રજાને સુવિધાયુક્ત જીવન મળે અને પાયાની માળખાગત સુવિધાઓથી કોઈ વંચિત ના રહે અને પ્રજાની સુખાકારીમાં વધારો થાય તે માટે ચિંતા કરી રાજય સરકાર દ્વારા વિકાસલક્ષી કામોનું આયોજન કરે છે.” તેઓએ કહ્યુ હતુ કે, વિકાસ એ સતત ચાલતી પ્રકિયા છે. જેના થકી પ્રજાના સુખાકારીના કામો અગ્રિમતા આપવા પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે આ યોજનાઓનું અમલીકણ સમયસર થાય તથા નાણાનો વિનિયમન કરી ગુણવત્તાસભર કામો પર પણ ભાર મુક્યો હતો.
બેઠક દરમિયાન મંડળના સભ્ય સચિવ દ્વારા આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે, અરવલ્લી જિલ્લામાં 112 લાખ રુપિયાના ખર્ચે પાણી પુરવઠા અંગેના 124 જેટલા કામો કરવામાં આવનાર છે. 88 જેટલા સીસી રોડ નુ નિર્માણ કરવામાં આવશે અને તેની પાછળ 132.65 લાખ રુપિયા ખર્ચ કરવામાં આવશે. ડીપ બ્રિજ અને ગરનાળા 91 જેટલા નિર્માણ કરવામાં આવશે અને જે માટે 117.15 લાખ રુપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. જિલ્લામાં 41 જેટલા ગટર લાઇનના કાર્યો 69.85 લાખ રુપિયાના ખર્ચે કરવામાં આવનાર છે.
પુર સંરક્ષણ અંગેના 67 કાર્યો આગામી વર્ષે કરવામાં આવશે અને તે માટે 113.26 લાખ ખર્ચવામાં આવનાર છે. સ્ટ્રીટ લાઇટના 85 કાર્યો માટે રુપિયા 101.79 લાખનો ખર્ચ કરવામાં આવનાર છે. આ ઉપરાંત અન્ય 37 કાર્યો માટે 66.94 લાખ રુપિયાની ગ્રાન્ટની ફાળવણી ને પણ મંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર ડૉ નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેઓટીયા, જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહજી ચૌહાણ, નિરીક્ષક નાયબ સચિવ આયોજન પ્રભાગ માયાબેન ડાભી, મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડ ધારાસભ્ય જશુભાઇ પટેલ સહિત જિલ્લાની તમામ તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Published On - 10:18 pm, Fri, 25 March 22