લાંચિયા સરકારી બાબુઓની ખેર નથી, દિવાળીમાં ભેટની લાંચ લેતા બાબુઓને પકડવા ACB એ ગોઠવી દીધી છે જાળ

|

Oct 27, 2021 | 6:59 AM

લાંચ લેતા લાંચિયા સરકારી બાબુઓ દિવાળીમાં વધુ એક્ટીવ થતા હોય છે. ભેટ સોગાદના નામે ઘણી લાંચ લેતા બાબુઓની હવે ખેર નથી. ACB એ આવા બાબુઓને પકડવા એક્શન પ્લાન ગોઠવી દીધો છે.

લાંચ રૂશ્વત વિરોધી શાખા, એટલે કે ACB. આમ તો એન્ટી કરપ્શન બ્યુરો ગુપ્ત રાહે છટકું ગોઠવીને લાંચિયા બાબુઓને લપેટતું હોય છે. જોકે દિવાળીના પર્વ પહેલા ACBએ સરકારી બાબુઓને સાવધાન કર્યા છે. ત્યારે ACBએ શું જાહેર કર્યું છે ફરમાન અને કેમ સરકારી બાબુઓને કરાયા છે સાવધાન. ચાલો જાણીએ.

દિવાળી આવે એટલે સરકારી બાબુઓની ઓફિસોમાં ભેટ સોગાદોના ઢગલા થાય છે. માનીતાઓ મોંઘીદાટ ગીફ્ટ આપીને અધિકારીઓને ખુશ કરે. જોકે કાયદાની ભાષામાં ભેટ સ્વીકારવાને લાંચ માનવામાં આવે છે. અને આ દિવાળીમાં આવા લાંચિયા બાબુઓ પર લગામ કસવા ACBએ એક્શન પ્લાન ઘડ્યો છે. એક્શન પ્લાનના ભાગરૂપે ACBએ વિવિધ ટીમોની રચના કરી છે. આ ટીમો સરકારી કચેરીઓ પર વૉચ રાખશે. અને ભેટ સ્વીકારનાર લાંચિયા બાબુઓને રંગેહાથ ઝડપી લેશે.

જોકે અહીં આપને સવાલ થશે કે મીઠાઇની ભેટ સ્વીકારવાને લાંચ કેવી રીતે કહી શકાય? ત્યારે એ પણ જણાવી દઈએ કે કામની પતાવટ માટે અધિકારીઓને કેવી કેવી ભેટ આપવામાં આવતી હોય છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે લાંચિયા અધિકારીઓને દિવાળીમાં ભેટ સ્વરૂપે રોકડ, સોનાના બિસ્કીટ, ચાંદીની લગડી, હવાઇ પ્રવાસ, વિદેશની ટ્રીપ કરાવવામાં આવતી હોય છે. ત્યારે આવા ગોરખધંધાનો પર્દાફાશ કરવા ACBએ પોતાના બાતમીદારોને કામે લગાવી દીધા છે. આમ શુભેચ્છાના નામે સેટિંગ કરતા સરકારી બાબુઓએ ચેતી જવાની જરૂર છે. અન્યથા એક ગીફ્ટ, બાબુઓની દિવાળી બગાડી શકે છે.

 

આ પણ વાંચો: Janhvi Kapoorએ ખોલી સારા અલી ખાનની એવી પોલ, જાણીને શું હશે અભિનેત્રીની પ્રતિક્રિયા?

આ પણ વાંચો: ક્લાયમેટ ટેક્નોલોજી રોકાણના મામલે વિશ્વના ટોચના 10 દેશોમાં ભારતનો સમાવેશ: રિપોર્ટ

Published On - 6:58 am, Wed, 27 October 21

Next Video