આણંદના (Anand) વલ્લભ વિદ્યાનગરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં (Swaminarayan Gurukul International School) મોટી શાળાના શિક્ષકો અને સિનિયર વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ (Students)સાથે મારપીટ કરતા હોવાના આક્ષેપ સાથે વાલીઓએ હોબાળો કર્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓના હોબાળા મુદ્દે શિક્ષણ વિભાગે તપાસની વાત કરી છે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ સમગ્ર મામલાની તપાસની ખાતરી આપી છે. સાથે જ તેઓએ ગુરુકુળમાં સૌહાર્દપુર્વક વાતાવરણ જળવાઇ રહે તેના પર ભાર મુક્યો છે.
એક તરફ શિક્ષણપ્રધાન તપાસની વાત કરી રહ્યા છે. તો બીજી તરફ આણંદ જિલ્લાનું શિક્ષણ વિભાગ સમગ્ર ઘટનાની અજાણ છે. ખુદ આણંદ જિલ્લા શિક્ષણાધિકારી મીડિયા સામે કબૂલ્યુ હતુ કે વાલીઓ કે સ્કૂલ સંચાલકો તરફથી તેઓને કોઇ જ ફરિયાદ નથી મળી. જોકે મીડિયાના અહેવાલના આધારે તેઓએ કાર્યવાહીની તૈયારી દર્શાવી હતી.
આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે વાલીઓએ હોબાળો કર્યો હતો. વાલીઓ અચાનક જ સ્વામિનારાયણ ગુરુકુળમાં પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે ગુરુકુળમાં મોટી ઉંમરના વિદ્યાર્થીઓ મારપીટ કરે છે. એટલુ જ નહીં સ્વામી પણ તેમને મારતા હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આ અંગે વાલીઓને ફરિયાદ કરતા વાલીઓએ શાળા પર હોબાળો મચાવ્યો હતો. શાળા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા રોષે ભરાયેલા વાલીઓ બાળકોને લેવા ગુરુકુળ પહોંચી ગયા હતા.
TV 9 ગુજરાતીની ટીમે સ્થળની મુલાકાત લીધી હતી. ત્ચારે જોવા મળ્યુ હતુ કે રજૂઆત કરવા આવેલા વાલીઓને પણ સ્કૂલમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહતા. તે દરમિયાન એક વિદ્યાર્થીએ જણાવ્ચુ હતુ કે, તેમને આ ગુરુકુળમાં સહેજ પણ સારુ નથી લાગતુ. તેમને શિક્ષક દ્વારા અપશબ્દો બોલવામાં આવે છે. વિદ્યાર્થીઓએ જણાવ્યુ કે કોઇ એક શિક્ષક નહીં પણ અલગ અલગ શિક્ષકો દ્વારા આ કૃત્ય કરવામાં આવે છે. એટલુ જ નહીં તેમને ટોર્ચર કરવામાં આવતા હોવાનો પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે.
TV 9 ગુજરાતીની ટીમે એક વિદ્યાર્થી સાથે વાત કરતા તેણે જણાવ્યુ હતુ કે, આત્મ સ્વરૂપ દાસ સ્વામીએ તેને માર્યુ હતુ. રુલ્સ ફોલો ન કરીએ અને તેમનું કહેલુ ન માનીયે તો તેમના દ્વારા મારવામાં આવે છે. ભોજનમાં જીવાત હોવા છતા અમને જમવા માટે મજબુર કરવામાં આવે છે. એક વિદ્યાર્થીએ તેમને વાળ પકડીને અને લોખંડના સળિયાથી મારવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીઓએ કહ્યુ હતુ કે જો તેઓ વોર્ડનને ફરિયાદ કરે છે તો વોર્ડન તેમની વાત પર ધ્યાન આપતા નથી.
એક વાલીએ જણાવ્યુ હતુ કે તેમના ત્રણ બાળકો આ ગુરુકુળમાં છે અને આ ત્રણેય બાળકો સાથે રોજ મારપીટ કરવામાં આવે છે. તેમને સમયસર નાસ્તો પણ આપવામાં આવતો નથી. વાલીએ કહ્યુ કે જ્યારે અમે અહીં રજુઆત કરવા આવ્યા છીએ ત્યારે સ્કૂલ મેનેજમેન્ટમાંથી કોઇ જ હાજર નથી.
જો કે બીજી તરફ સ્કૂલ સંચાલકોએ વાલીઓના તમામ આક્ષેપને ફગાવ્યાં હતા. શાળા સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યુ કે, શાળામાં બાળકો નવા આવ્યાં હોવાથી હોમસીકનેસના કારણે ફરિયાદ આવે છે. જમવા માટેની ફરિયાદ તદ્દન ખોટી છે. તેમણે જણાવ્યુ કે, કેટલાક વાલીઓને અહીં માત્ર હંગામો જ કરવો છે.