વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 17 અને 18 જૂને પંચમહાલ અને વડોદરા (Vadodara) જિલ્લાની મુલાકાત લેવાના છે. વડાપ્રધાન વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડમાં “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારે “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત વડાપ્રધાન આણંદ (Anand), છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લાના કરોડોના વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ-ભૂમિપૂજન-ખાતમુહૂર્ત કરવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વડોદરામાં “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારે તેઓ આણંદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લા સહિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મોટી ભેટ આપશે. તેઓ આ વિસ્તારના પાણી-પુરવઠા, ઊર્જા, માર્ગ-મકાન વિભાગ સહિતના વિવિધ વિભાગો દ્વારા નિર્માણ પામેલા કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન-ખાતમુહૂર્ત કરવાના છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરની સ્વચ્છતા–સુખાકારીમાં વધારો થાય તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 16.30 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વડોદરાથી ઇ-લોકાર્પણ કરશે. નોંધનીય છે કે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ઉમરેઠ નગરપાલિકા વિસ્તાર માટે તૈયાર કરવામાં આવેલા આ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નગરના ગંદા પાણીના જથ્થાના શુધ્ધિકરણ સાથે તે પાણીનો યોગ્ય નિકાલ થશે. જેના કારણે ઉમરેઠ નગરની સ્વચ્છતા તથા જાહેર સુખાકારીમાં વધારો થવાની સાથે શુધ્ધિકરણ થયેલું સીવરનું પાણી અને ઘન કચરાને ખેતી તેમજ ઉદ્યોગમાં વપરાશના હેતુ માટે પુન: ઉપયોગમાં લઇ શકાશે.
ઉમરેઠ નગરપાલિકા દ્વારા રૂ. 16.30 કરોડના ખર્ચે બનાવાયેલો આ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 6.10 એમ.એલ.ડી. ક્ષમતા સાથેનો ઓપન ટેકનોલોજી વીથ બાયોલોજીકલ ન્યુટ્રીઅન્ટ રીમુવલ સાથેનો છે. જેમાં કંપાઉન્ડ વોલ, રાઇઝીંગ મેઇન પાઇપલાઇન, એફલુએન્ટ ડીસ્પોઝલ પાઇપલાઇન અને પંપીંગ મશીનરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાકાર થતાં શહેરના અંદાજે 41 હજારથી વધુ નાગરિકોને તેનો સીધો લાભ મળવાની સાથે શહેરની સ્વચ્છતામાં પણ વધારો થશે.
મહત્વનું છે કે, વડાપ્રધાન વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે 12:30 કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં હાજરી આપશે. એટલું જ નહીં પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાના 8,907 આવાસનું લોકાર્પણ કરશે તો વડોદરામાં ગતિશક્તિ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરશે. રેલવે વિભાગના વિવિધ પ્રોજેક્ટ અંતગર્ત 16,369 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સાથે સાથે 18 જૂને અમદાવાદ-બોટાદના લોકોને પીએમ મોદી વિકાસની ભેટ આપશે. 18 જૂને અમદાવાદ-બોટાદ વચ્ચે રેલવે લાઈન શરૂ કરાશે. અમદાવાદ-બોટાદ ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી બતાવશે.