આણંદના ખંભાતમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટ B1.5નો વધુ એક કેસ નોંધાયો છે. ખંભાતના 67 વર્ષીય વૃદ્ધા વિદેશથી પરત આવ્યા હતા. આ વૃદ્ધા બે માસ પહેલા USAથી આવ્યાં હતા અને તેમનામાં કોરોનાના લક્ષણો દેખાતા તેમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. વૃદ્ધ મહિલાનો RTPCR 24 ડિસેમ્બરે પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ આ રિપોર્ટ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યો હતો. જિનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ 29 ડિસેમ્બરે આવ્યો હતો. જે મુજબ વૃદ્ધા કોરોનાના સબ વેરિયન્ટ B1.5થી સંક્રમિત હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. હાલમાં આ વૃદ્ધ મહિલા હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. જોકે તંત્ર દ્વારા વૃદ્ધ મહિલાના સંપર્કમાં આવેલા તમામના સેમ્પલ લેવામાં આવ્યા છે. સાથે જ તમામ લોકોને અન્યના સંપર્કમાં ન આવવા તેમજ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે.
ગુજરાતમાં એનઆરઆઇના ધસારાને પગલે તંત્ર સાબદું છે અને હોસ્પિટલમાં કોવિડ કેર માટે પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નોંધનીય છે કે થોડા સમયથી ચીનમાં કોરોનાના સબવેરિયન્ટ્સ BF.7ના કારણે પરિસ્થિતિ અતિશય વકરી ગઈ છે. જોકે આ તમામ પરિસ્થિતિને ધ્યાને રાખતા ભારતમાં કોવિડ સામે પગલાં લેવાની પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે.
કોવિડ -19ની ઉત્પત્તિ પછી વર્ષ 2021માં તેના ઘણા સબવેરિયન્ટ વિકસિત થયા. આવા સબવેરિયન્ટ્સમાંથી એક BF.7 છે જે ચેપને ખૂબ જ ઝડપથી ફેલાવવામાં સક્ષમ છે.
રિપોર્ટ મુજબ ઓમિક્રોનનું સબવેરિયન્ટ BF.7 છે, જે ચીનમાં તબાહી મચાવી રહ્યો છે, જેના કારણે દેશની ઓફિસો અને જાહેર સ્થળો સુમસામ થઈ ગયા છે. આ સાથે જ હોસ્પિટલમાં ફરી એકવાર દર્દીઓની લાંબી લાઈનો લાગી ગઈ છે. લાઈવ સાયન્સના રિપોર્ટ મુજબ BF.7 સબવેરિયન્ટ BA.5.2.1.7 નું શોર્ટ ફોર્મ છે. BA.5.2.1.7, BA.5. નું ઉપ વંશ છે. એવું માનવામાં આવે છે કે BF.7 સબવેરિયન્ટ, BA.1 અને BA.2 જેવા ઓમિક્રોનના અન્ય સબવેરિયન્ટ્સ કરતાં વધુ ઝડપથી ચેપ ફેલાવવામાં સક્ષમ છે.