ગુજરાતમાં (Gujarat) અમૂલ ડેરીએ (Amul) પશુપાલકો પાસેથી લેવાતા દૂધના ખરીદી ભાવમાં(Procurement Price)10 રૂપિયાનો વધારો કરીને પશુ પાલકોને મોટી રાહત આપી છે. આ સાથે જ અમૂલ ડેરીએ દૂધ ખરીદીનો પ્રતિ કિલો ફેટનો નવો ભાવ 740 રૂપિયા થયો છે. જે ભાવ અગાઉ 730 રૂપિયા હતો. અમૂલ ડેરીએ કરેલા નિર્ણયનો સીધો લાભ આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકોને મળશે. અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે કહ્યું કે 11 જૂનથી નવો ભાવ વધારો પશુપાલકોને ચુકવવામાં આવશે.
અમૂલનું વાર્ષિક ટર્ન ઓવર 10 હજાર કરોડને પાર પહોંચી ગયું છે. અમૂલના વાર્ષિક ટર્ન ઓવરમાં 19 ટકાની વૃદ્ધિ થઈ છે.. ગત વર્ષે અમૂલ ડેરીમાં કુલ 131 કરોડ લીટર દૂધની આવક થઈ હતી..જે ચાલુ વર્ષે વધીને 150 કરોડ લીટરે પહોંચી ગઈ છે.. તો પશુપાલકોને અંતિમ ભાવની રકમમાં પણ 9.37 ટકાનો વધારો કરાયો છે. ગત વર્ષે 320 કરોડ અંતિમ ભાવની ચુકવણી થઈ હતી.. ચાલુ વર્ષે પશુપાલકોને 350 કરોડથી વધુ રકમ ચુકવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ફેબ્રુઆરી માસમાં અમૂલ ડેરીએ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જેમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારાથી આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખ પશુપાલકોને લાભ થયો હતો. જેમાં અમૂલ ડેરીએ પ્રતિ કિલો ફેટનો જૂનો ભાવ 710 હતો અને હવે નવો ભાવ 730 કર્યો હતો.