કોઈ પણ માતા પિતા હોય પોતાના સંતાનોના લગ્ન (Marriage)માં કઈક નવું કરવાની ઈચ્છા રાખતા હોય છે અને બીજા કરતા પોતાના ઘરનો પ્રસંગ વિશિષ્ટ બની રહે તેવું ઇચ્છતા હોય છે. ચરોતર પ્રદેશમાં હાલમાં લગ્નોની મોસમ પુરબહાર ખીલી છે. ત્યારે આણંદ જિલ્લાના ઉમરેઠમાં એક માતા-પિતાએ પોતાના દીકરાના લગ્ન યાદગાર બની રહે તે માટે આવુ જ કઇક કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પોતાની દીકરાની લગ્નની કંકોત્રી (wedding card) બેંકની પાસબૂક અને ચેક (Passbook and check)ના સ્વરૂપમાં છપાવી છે. ત્યારે આ કંકોત્રી લોકોમાં આશ્ચર્ય પમાડી રહી છે.
લગ્ન નક્કી થાય એટલે દીકરી હોય કે દીકરો માતાપિતા દ્વારા લગ્નના શુભ મુહૂર્ત ગોર મહારાજ પાસે જોવડાવતા હોય છે અને શુભ લગ્નની તારીખ નક્કી થાય એટલે સૌથી પહેલું કામ આમંત્રણ પત્રિકા કે કંકોત્રી છપાવવાનું કરતા હોય છે. દર વર્ષે કેટલીય નવી કંકોત્રીની ડિઝાઇન માર્કેટમાં આવતી હોય છે તેમાંથી કંકોત્રી પસંદ કરવામાં પણ માતાપિતા કેટલાય દિવસો અને પરિવારજનોની સલાહ લેતા હોય છે ત્યારે ઉમરેઠના એક પરિવાર દ્વારા છપાવવામાં આવેલી કંકોત્રી લોકોને અચરજ પમાડે તેવી છે.
સામાન્ય રીતે બેંકમાં કોઈ પણ નાંણાકીય લેવડ દેવડ કરવાની હોય ત્યારે સૌથી પહેલાં આપણી નજર સમક્ષ ચેક કે પાસબુક પર જતી હોય છે. જો ખાતામાંથી નાણાં ઉપાડવા હોય તો ચેકની જરૂર પડે અને પોતાના ખાતાની સ્થિતિ જાણવી હોય તો પાસબુકની જરૂર પડે. ત્યારે ઉમરેઠના એક શાહ પરિવાર દ્વારા ચેકમાં કાર્યક્રમની વિગતો અને પાસબૂકમાં વિશિષ્ટ પ્રકારની કંકોત્રી છપાવી છે. આં કંકોત્રીમાં તેમણે પોતાના પરિવારની વિગતો પોતાના પરિવારની કિંમતી મૂડી હોય તે રીતે દર્શાવી છે. પાસબૂકમાં ભારતીય શાહ બેંક એવુ લખવામાં આવ્યુ છે. આ જ રીતે લગ્નની તારીખ અને રિસેપ્શનની તારીખ સાથે જેમને આમંત્રણ આપવામાં આવ્યુ છે તેમનું નામ પણ દર્શાવવામાં આવ્યુ છે.
આ પ્રકારની કંકોત્રી છપાવવા અંગે દીકરાના પિતાએ જણાવ્યુ હતુ કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ દ્વારા કંકોત્રી કોઈ પણ જગ્યાએ આમંત્રણ સ્વરૂપે મોકલે છે તો મોટાભાગે પ્રસંગ પૂર્ણ થઈ ગયા બાદ મોટા ભાગે કંકોત્રી કે જેમાં ભગવાનના ફોટો અને નામ હોય છે તે પસ્તીમાં આપી દેવામાં આવે છે અથવા નદીમાં પધરાવી દેવામાં આવે છે. ત્યારે આ પ્રકારની કંકોત્રી છપાવવાને કારણે પ્રસંગ પૂર્ણ થયા પછી લોકો તેને સાચવશે. તેમણે કહ્યુ કે અલગ પ્રકારની કંકોત્રી હોવાથી પરિવારના લોકો સંભારણા સ્વરૂપે સાચવી રાખશે અને અન્ય કંકોત્રી કરતા અલગ કંકોત્રી હોવાથી કાયમ માટે દીકરાના પ્રસંગને યાદ કરશે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-