અમરેલીના ભગુડા ગામ નજીક આવેલા ભોયરાધાર ગામેથી એક સનાતન ધર્મને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં અર્જુનગીરી નામનો માથાભારે શખ્સ જે ખુદને સાધુ ગણાવે છે તેમણે ગિરનારી બાપુ નામના સાધુને પહેલા ઢોર માર્યો. ગિરનારી બાપુ વિધર્મી હોવાનો આરોપ લગાવી તેને અપશબ્દો કહ્યા અને ઢોર માર્યો માર્યો. આટલેથી પણ ન અટક્તા સરાજાહેરમાં અર્જુનગીરીએ ગિરનારીબાપુની જટા પણ કાપી નાખી. ઉપરાંત તેમની પાસે રહેલા મોબાઈલ અને રોકડ રકમ પણ ઝૂંટવી લીધા. આ સમગ્ર મામલે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદને આધારે હળવદથી આરોપી અર્જુનગીરી અને તેના સાગરીતની ધરપકડ કરી લેવાઈ છે.
ભગુડા ગામથી સામે આવેલા સાધુને માર મારતા આ વીડિયોથી સમગ્ર સંત સમાજમાં રોષ ફેલાયો છે અને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સાધુઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરાઈ છે. સાધુ માટે તેની જટા પવિત્ર ગણાતી હોય છે ત્યારે અર્જુનગીરી નામના લેભાગુ સાધુએ ગીરનારી બાપુ પર માત્ર આરોપના આધારે તેની જટા કાપી નાખી તેના આત્મા પર કુઠારાઘાત કર્યો છે. રામેશ્વર બાપુ હરિયાણીએ અર્જુનગીરીના આ કૃત્યને સાધુતાને ન શોભે તેવુ ગણાવ્યુ અને તેને સાધુ તો કેવી રીતે કહેવા તેવા પણ સવાલ ઉઠાવ્યા. તેમણે જણાવ્યુ કે સૌપ્રથમ તો લૂંટે તેને સાધુ જ ન કહેવાય, ભલે તે સાધુના વેશમાં હોય કે અન્ય વેશમાં હોય. જે સમાજને લૂંટે તેને ડાકુ જ કહેવાય, તેની નરાધમમાં જ વ્યાખ્યા કરાય તેને સાધુ ન ગણી શકાય. વધુમાં તેમણે જણાવ્યુ કે આવા અસુરો સમાજ માટે પણ જોખમી છે, તેમને ફાંસી જ આપી દેવી જોઈએ. અહીં વીડિયોમાં આપને સંભળાવી પણ ન શકીએ એ હદે આ માર મારનાર કથિત સાધુ અપશબ્દો બોલી રહ્યા છે ત્યારે રામેશ્વર ગીરીએ તો તેને સાધુ ગણવાનો પણ ઈનકાર કર્યો છે.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વૃદ્ધ ગીરનારીબાપુ તેની સામે કરગરી રહ્યા છે છતા અર્જુનગીરી નિર્દય બનીને તેમને મારતો જોવા મળે છે. આ સમગ્ર મામલે જ્યોતિર્નાથ બાપુએ જણાવ્યુ કે કોઈપણ સંજોગોમાં આ કૃત્ય સ્વીકાર્ય નથી અને તેને ચલાવી ન લેવાય. સાધુની ચોટી કાપવાનો માત્ર તેના ગુરુને જ અધિકાર છે અન્ય કોઈને નહીં. પરંતુ જો અર્જુન ગીરી ખરેખર સાધુતાને વરેલો હોત તો તે આ પરંપરા જાણતો હોત પરંતુ આ તો સાધુ કહેવાને જ લાયક નથી. વધુમાં જ્યોતિર્નાથ બાપુએ કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ વારંવાર સાધુઓ પર હુમલા અને અન્ય લોકોને માર મારવાની ઘટના છાશવારે સામે આવી રહી છે ત્યારે તેમને પોષનારા તત્વો કોણ છે તે તપાસનો વિષય છે.
જ્યોતિર્નાથ બાપુએ જણાવ્યુ કે આ કથિત સાધુ અર્જુનગીરીને સમાજે, ગીરી સમાજે અને પોલીસે પણ કડક હાથે કામ લઈ સજા કરવી જોઈએ. સમગ્ર ઘટનાને તેમણે આસ્થા પર હુમલો ગણાવ્યો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:51 pm, Mon, 18 November 24